કામ થવું જોઈએ!

એક ગામમાં ત્રણ જ ખેડુત હતાં.

આખા ગામનાં અનાજ પાણીની વ્યવસ્થાની જવાબદારી એ ખેડુતો પર જ હતી. એ લોકો જે ઉગાડે એજ લોકો ખાઇ શકે...

ત્રણમાંથી એક એ તો મહેનત કરવાનું બંધ કર્યુ અને પહેલો ન કરે તો મારે કરવાની ક્યાં જરૂર છે એવી ભાવનાથી બીજા ખેડુતે પણ મહેનત કરવાનું બંધ કર્યુ.

હવે આખા ગામની જવાબદારી આવી પડી ત્રીજા ઉપર. એ પણ છટકી શક્તો હતો પણ એણે મહેનત બમણી ચાલુ કરી... લોકો ને ઓછું મળતું પણ મળતું ખરાં.

ધીમે ધીમે ત્રીજા ખેડુતની ગામમાં લોક ચાહના અને માનપાન વધવા લાગ્યાં. અને એ ગામનો પટેલ થયો.

હવે ઓલા બન્ને ને લાગ્યાં મરચા. અને ઈર્ષ્યામાં ને ઈર્ષ્યામાં એ બન્ને યે પણ પુરપાટ ખેતી કરવાનું ચાલું કર્યુ.

અને જોતજોતામાં એટલું બધું અનાજ પેદા કર્યુ કે ગામનાં લોકોની આખા વરસની ખપત પુરી થઈ અને સાથે સાથે આગળ પાછળનાં ગામડાઓને પણ વહેંચીને એ વેપાર વધાર્યો.
ઈર્ષ્યા તો ઈર્ષ્યા....અંતે થયો તો ગામને જ ફાયદો ને!

નજીકનાં ભવિષ્યમાં ભારતમાં પણ આવુ જોવા મળે તો નવાઈ ન પામતા. ;)

Kamal Bharakhda

ભારત, એક મહાન દેશ (?)

મા
ફ કરજો, મેં શીર્ષક દ્રારા કટાક્ષ મુકવાનો પ્રયત્ન કર્યો છે. ભારત દેશ મહાન હતો, પણ અત્યારે નથી. કારણ?


યે દેશ થા વીર જવાનો કા, અલબેલો કા, મતવાલો કા,
ઇસ દેશ કે યારો લગ ગયે હૈ, બડે મોટે મોટે લગ ગયે હૈ!
-     ટીમ, ઐસી તૈસી ડેમોક્રેસી



દેશ મહાન બને છે પણ કોના થકી? બીલકુલ એમના નાગરિકોના યોગ્ય અભિગમ થકી. આપણે અમેરિકાનો જ દાખલો લઈએ તો ખ્યાલ આવે કે, અમેરિકનો એક એવાં અભિગમ સાથે જ જન્મ લે છે કે જેના માટે દેશની ઉન્નતિ સિવાય બીજું કૈંજ વિશેષ નથી હોતું. ભારત પણ એક સમયે સોનાની ચીડિયા તરીકે ઓળખાયું હતું. દસ એક સદીઓમાં એવું તો શું થયું કે, હવે એ પરિસ્થતિ આપણે સપનામાં પણ વિચારી ન શકીએ કે, ભારત સમૃદ્ધિને ખોળે પાછું આવશે!

દેશનું સ્ટેપ બાય સ્ટેપ ઉન્નત થવું એ ખરેખર અતિમહત્વની વિભાવના(Concept) છે જે સમજવી ખુબ જરૂરી છે. દેશની ડેટમ લેવલથી મહાન(ઉન્નત) થવાં સુધીની પદ્ધતિ છે જેને દેશનો ઉત્ક્રાંતિવાદ કહી શકાય. હાં, દેશની ઉત્ક્રાંતિ ડાર્વિનના માણસના ઉત્ક્રાંતિના સિધ્ધાંતની સમાંતર જ ચાલે છે. આગળ વધીએ.  

દેશની મહાનતા કોઈ ઈમારત નથી કે જેને એકવાર બનાવી લીધા પછી ધ્યાનબાર કરી દેવામાં આવે તો કોઈ તકલીફ નહીં થાય. પરંતુ ભારત સાથે એ થયું છે. ભારતના જ નાગરિકો એ એમના દેશ સાથે એજ કર્યું છે. ભારતની ચડતીનો ખોટો ઉપયોગ કરી વર્ષો પહેલા આધ્યાત્મિક, ધર્મવાદનાં, જાતિવાદના અને બીજા અનેક અમાનવીય દુષણોને રવાડે એવો ચડ્યો કે પછી હજુ સુધી બહાર જ નથી નીકળી શક્યો. ચાલો દેશ એક પાયાથી લઈને ઉન્નતિની રસ્તો કેવો હોય છે એ સમજીએ.    

કોઈ પણ રાષ્ટ્રનું નવનિર્માણ થાય ત્યારે સૌ પ્રથમ રાષ્ટ્રના દરેક વ્યક્તિએ મજૂરીને રાષ્ટ્રીય સંશાધન પુરવઠા તરીકે લેવું પડે છે. મજુરી એટલે ખેતી, સમાજ રચના વગેરે વગેરે. ધીરે ધીરે રાષ્ટ્ર મજુરી કરી કરીને પોતાના પગ ભેર થાય છે અને એ સમય એવો હોય છે જયારે રાષ્ટ્રએ ફક્ત પોતાના આંતરિયાળ પરિસ્થતિઓને જ પગભેર કરવાની હોય છે અને બીજા કોઈ પરદેશી વહીવટો કરવાના હોતા નથી એટલે રાષ્ટ્ર પાસે ભંડોળ જલ્દી ભેગું થાય છે.

ભંડોળને નવાનવા કામ અને કમાણીના રસ્તાઓ શોધવામાં ઉપયોગમાં લેવાય છે. એ પછી યુગ આવે છે કારીગરીનો. જેમાં દરેક વ્યક્તિ ફક્ત શારીરિક નહિ પણ માનસિક રીતે પણ રાષ્ટ્ર સાથે આગળ વધે છે અને રાષ્ટ્રને આગળ વધારે છે. જેમાં નવાનવા વૈજ્ઞાનિક સંશોધનો, સાહિત્ય, કળા જેવી સોને પે સુહાગા જેવી પરિસ્થતિઓનું નિર્માણ થાય છે. આ કાળમાં રહ્યા બાદ રાષ્ટ્ર સંપન્ન થાય છે.

રાષ્ટ્રના સંપન્ન થયા બાદ રાષ્ટ્રમાં એક એવો વર્ગ ઉભો થાય છે જે એક માનસિક અને સામાજિક રીતે વડીલ હોય છે. જે પોતાના રાષ્ટ્રને પ્રગતિના પંથ પર આગળને આગળ લઇ જવા હેતુસર પોતાની છબીને દુનિયા સામે સુધારવા માટે ધરખમ પ્રયત્નો કરે છે. અને એ છબી એટલે લાફો મારીને ગાલ લાલ રાખવાની કળા. પણ સત્ય એ નથી. સત્ય એ છે કે એ બધું કર્યા પછી રાષ્ટ્ર ખરેખર દુનિયાનાં તમામ રાષ્ટ્રો સાથે સ્પર્ધામાં આવે છે.

હવે જે પેલ્લી પેઢી હતી જેણે આ કાર્ય કર્યું હતું એ લગભગ ૨૦૦૦ વર્ષો પહેલાનો સમય હતો. હા સાચી વાત છે. આપણી ભારતીય સંસ્કૃતિ કઈ અત્યારની નથી પણ આદિકાળથી સંપન્ન છે. સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈને મધ્યકાળ સુધીનું ભારત કે જે આંતરરાષ્ટ્રિય કક્ષાએ મારીમસાલા અને બીજા અનેક પ્રોડક્ટસ અને કળાને લીધે ઔદ્યોગિક કેન્દ્ર બન્યું હતું. ભારતે એ દરેક પરિસ્થતિઓનો સામનો કર્યો કે જે એક ઉન્નત રાષ્ટ્રેને કરવું જ પડે. અમેરિકાએ તો એ સમયે જનમ પણ નો’તો લીધો.

રાષ્ટ્ર સંપન્ન થયા પછી રાષ્ટ્રનો દરેક વ્યક્તિ તાકાતવાન અને માનસિક ઢબે પરિપક્વ બને છે. રાષ્ટ્ર જયારે પોતાના આર્થિક સ્વચાલિત ચક્રો ફરવા લાગે ત્યારે નાગરિકો પર દેશની જવાબદારી પર ધરખમ ઘટાડો થાય છે. પછી ઉદય થાય છે રાષ્ટ્રવહીવટ, રાજકારણ, મૂડીવાદ અને માફીયારાજનો. કે જેઓ મહેનત નહીં પણ શોર્ટકટ લે છે. દરેકના પોતપોતાના કારણો હોય છે પણ ક્યાંકને ક્યાંક રાષ્ટ્ર દુષિત જરૂર થાય છે. આજ લોકો પોતાની કમાણી લોકો પાસેથી ઉઘરાવે છે અને તેના માટે સમાજ રચનાની જરૂર પડે છે. જેનો પ્રતાપે છે આ જાતિવાદ, ધર્મની રાજનીતિ જેવા દુષણો આપણે સહન કરવા રહ્યા.

OK તમને પ્રશ્ન થવો રહ્યો કે, રાજકારણ, મૂડીવાદ અને માફિયારાજ આ બધા તત્વો અમેરિકા અને બીજા અનેક વિકસિત દેશોમાં પણ છે છતાય આપણા બધાયને એ પાક્કા પાયે અનુમાન છે કે, એ દેશોને એવી તકલીફ ક્યારેય નહીં પડે જે આપણે ભોગવી રહ્યા છીએ. આ બાબતે મેં ઊંડાણમાં વધારે સમજવાનો પ્રયત્ન કર્યો તો કારણ મળ્યું ભારતીયોનાં સામાજિક અને વ્યક્તિગત જીવનમાં હદ વગરનું અધ્યાત્મવાદ અને ધર્મવાદનું પ્રમાણ! (કોઈપણ જાતની ગ્રંથી રાખ્યા વગર આગળ વાંચવું)  

વ્યક્તિ જયારે ઉન્નત બને છે ત્યારે છેલ્લે સુખ અને શાંતિની શૈયા ગોતવાનો પ્રયત્ન કરે છે. ત્યારે જ એ માણસનો ભેટ થાય છે આત્મજ્ઞાન સાથે. પછી આગળ વ્યક્તિ આત્મા અને સ્વાનંદનાં ઉંડા ચક્કરમાં પડે છે. અને એ પ્રોસેસને સાધુ-સંતોએ અધ્યાત્મ અને ઝેન જેવા નામો આપ્યા. શરૂઆતની પેઢી એ જ્ઞાનને બરાબર સમજી હતી પણ જેમ જેમ ભાષામાં અપભ્રંસ જોવા મળે છે તેમજ પેઢી દર પેઢી જ્ઞાનની સમજણમાં પણ લોકો પોતાના સ્વાર્થને જોડીને અપભ્રંસ ઉભો કરે છે. ત્યારબાદ બે ત્રણ સદીઓ પછી લોકો પોતાના સુખ અને શાંતિના સ્વાર્થ ખાતર સામજિક અને પારિવારિક જવાબદારીમાંથી છૂટવા માટે અધ્યાત્મનો ખોટી રીતે ઉપયોગ કરવા લાગ્યા. જે એક રીતે ભ્રષ્ટાચાર થયો. ધીમે ધીમે લોકોના હાડકાં તો નબળા પડ્યા જ પણ આગળ જતા પોતાનું જમીર અને મુલ્યોને નેવે મુકીને અમાનવીય કાર્યોંમાં લાગી ગયા.

ધર્મવાદ સારો અને ખરાબ પણ. (ધર્મવાદ સારી કઈ રીતે એ અહીં ચર્ચાનો વિષય નથી.) ધાર્મિક મોભલાઓ એ જાતિવાદ જેવો દુષણ ઉભો કર્યો. (કેમ કર્યો એ પોતે પોતાનામાં સ્વતંત્ર વિષય છે) અને જાતિવાદનાં લીધે જ એક જાતિના લોકો બીજી જાતીનાં લોકો શું કરે છે, તેની સાળસંભાળ લેતા બંધ થયા. લોકો માટે પોતાનો સમાજ જ પ્રાથમિકતા બન્યો અને દેશ ગૌણ. બસ અને એ ચાલતું રહ્યું. 

લોકોમાં દંભ, પરિવારવાદ, દહેજ, કોમી ઝગડાઓ અને ભ્રષ્ટાચાર ફળતો ફુલતો ગયો અને ભારતના લોકો ધીમે ધીમે આત્માથી નબળા બન્યા. બસ આજ માનસિક નબળાઈઓને લીધે જેતે યુગપુરુષો લોકોની માનસિકતા અને નબળાઈનો ફાયદો ઉપાડતા જ ગયા.

પણ જે પ્રમાણે આપણે આપણા ઈતિહાસને સમજીએ છીએ એ રીતે ભારત સોનાની ચીડિયા તરીકે ખ્યાતનામ થયા પછી અને રાજાઓની એક પછી એક ઘણી પેઢીઓ બદલાયી પછી જે અમેરિકા એ જે કર્યું એ આપણે ન કરી શક્યા. પણ એથી ઉલટું ઉપર સમજ્યા એમ આપણા પૂર્વજો એ ભોગ-વિલાસમાં તાકાત, શોર્યતા અને જમીર એમ બધુ ગુમાવ્યું. (અમુક પ્રતિભાઓને છોડીને) જેથી કરીને ચંગેઝખાન, મુઘલો અને અંગ્રજો જેવા વહવાયા વારંવાર ચડાઈ કરી ને દેશની રીતસર પત્તર ઠોકી નાખી.

પરંતુ જેમ રસ્સી સળગે પણ વળ ન છોડે એ રીતે એ સદીઓ જુની જી-સાહેબીને ટકાવી રાખવા માટે ઉનાળામાં કૃત્રિમ ઠંડક આપતા એ.સી.ની માફક પોતાને મહાન બનાવી રાખવાના ભારતીયોના પેતરા જરાય પચે એમ નથી.

ફરી એક વખત આ લેખની પહેલી લાઈન વાંચો. આ દેશ મહાન નથી એ વિચારીને નિરાશ થવાની જરૂર જરાય નથી. દેશને મહાન બનાવવું કે નહીં એ આપણો અભિગમ નક્કી કરશે. નમાલાની જેમ બેસ્યા રહીને બીજા દેશોની વાહ વાહ કરવાથી કૈંજ નહીં મળે. અમુક શસક્ત લોકો એ મોટા ઔદ્યોગિક જોખમ લેવાં જ પડશે જેનાથી સામાન્ય જનતા ને રોજગાર મળી રહશે, જેથી આગળની પેઢી શિક્ષિત થશે જે ક્રમ પ્રમાણે વહીવટો સંભાળશે.

હવે ફરી વખત એજ મજુરીની જરૂર છે ભારતને અને એજ ક્રાંતિની જરૂર છે. અને જ્યાં વિષય ક્રાંતિ અને વિકાસ પર જશે ત્યાં જ લોકોનું ધ્યાન આપોઆપ દુષણ પરથી હટવું રહ્યું.
જય હિંદ.

Written by Kamal Bharakhda

  

અંતિમવાદ (Extremism) નો જવાબદાર કોણ?

રાષ્ટ્રવાદી અંતિમવાદનો જવાબદાર કોણ?
ધાર્મિક અંતિમવાદના પ્રેરક અને મુળ જવાબદાર કોણ?

ખરેખર આ આખા જગતની રાજનીતિની ગ્રાઉન્ડ રીયાલીટી છે શું? કે જયારે જનતા પોતાની પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાનમાં લઈને ચુંટવા નીકળે ત્યારે એમને અંતિમવાદી કહી ને સંબોધવા પડે?

આપણે હર વખતે ઘટના બન્યા પછી અનુમાન કરવાની અને ઓબ્જેકશન લેવાની જ જવાબદારી લઈએ છીએ. (દરેક જાણકારની વાત છે) આપણે ગ્રાઉન્ડ રીયાલીટીનાં પર ખદબદતાં દુષણ પર ફક્ત આક્ષેપબાજી કરી છુટા થઈએ છે. પણ એ દુષણોને ડામવાના પ્રયત્નો નથી થતા, ઉલ્ટું જનતાને એમનાં લીધેલાં સ્ટેન્ડ પર એમને મુરખ, કટ્ટર, આતંકવાદી અથવા અંતિમવાદી કહીં ને જાકારો આપીએ છીએ.

આખરે ક્યાં સુધી આપણે જનતા જનાર્દનને એમના લીધેલા પગલા બાબતે એમને દોષિત માનતા રહીશું? આખરે એવાં તો ક્યાં કારણો છે જે જનતાને ખ્યાલ છે પણ મને અને તમને નહીં?

આખરે જનતા અંતિમવાદ અથવા રાષ્ટ્રવાદનાં રવાડે કેમ ચડે છે?

એક ઘટના મેં સાંભળી હતી. એક વૈજ્ઞાનિકને અમુક એક પ્રકારનું પીણું ખુબ ભાવતું પણ એ પીણું જેમાંથી તૈયાર થતું એ છોડ મોટે ભાગે ગરમીમાં જ ફળતું. પરંતુ તેનો પાક શિયાળામાં અને વરસાદમાં એમને ન મળે. સીઝનલ હતું. હવે તેણે છોડના આંતરિક માળખા સાથે અમુક પ્રયોગો કરીને એજ પ્રજાતિનું એવું બીજ ડેવલોપ કર્યું કે જે કોઈપણ સિઝનમાં ફળ આપી શકે. તેના માટે તેણે નિયંત્રિત વાતાવરણનું ઇન્કયુબેટર ડેવલોપ કરવું પડ્યું. હવે એ ઇન્કયુબેટરમાં જે છોડવા ઉગ્યા તે તમામ બીજને બહાર ખેતરમાં રોપણી કરવાનું શરુ કર્યું. અને છેવટે એ છોડ મેળવવામાં કામયાબ થયો અને એ ફળ કોઈપણ સીઝનમાં મળતું થયું.

આપણે પણ સામન્ય જનતામાં જ આવીએ છીએ. જેમ મેં વાત કરી એ પ્રમાણે જનતાની ગ્રાઉન્ડ રીયાલીટી એ છે કે, એમને એમની પ્રાથમિક જરૂરિયાતો મળવી જ જોઈએ. જો એ ન મળે તો તેના માટે તેઓ જે પગલું ઉપાડે તેના જવાબદાર ગવર્મેન્ટ.  

પ્રાથમિક જરૂરિયાતો એટલે શું? કે જેને અંતિમવાદની જનેતા કહી શકાય. મુળ પ્રાથમિક જરૂરિયાતો માણસને કુદરતી પણે ઊભીને ઉભી જ હોય છે. તેના માટે વ્યક્તિ કોઈપણ મજુરી કરી લે અથવા જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં વસવાટ કરે. પણ જયારે કોઈ ટોળાનો સરદાર રાષ્ટ્રીય કે ધાર્મિક બાબતોની અસુરક્ષિતતાને લોકો સમક્ષ ગળે ઉતારી દે એટલે લોકોના માનસપટ પર એ અસુરક્ષિતતા એમની પ્રાથમિક જરૂરિયાતોમાં આવી ગઈ. તો વાંક કોનો? લોકોનો કે એ સરદારોનો કે જે આ અંતિમવાદીઓની ફોજ તૈયાર કરે છે?

તમે, હું અને બીજા તમામ લોકો માણસોને આ રીતે ચુંટણીનાં જવાબદાર ગણીને છૂટી જઈએ છીએ પણ એ અંતિમવાદનાં નાબુદી તરફનાં પગલાઓ લઈએ છીએ ખરા?

જેમ આગળ વાત કરી એ પ્રમાણે આપણે એવાં એવાં શિક્ષિત સમાજ તૈયાર કરવા પડશે કે જે, સારું શું અને સાચું શું તેની વચ્ચેનો ફરક્ર સમજી શકે અને સમજાવી શકશે.  

અને માસ લેવલ પર જવાની જરૂર નથી પણ આવા ઇન્કયુબેટરો ઉભા કરીને એ તમામ લોકોને સમાજમાં છુટા મુકવાની જરૂર છે.

અને એજ તો એ અંતિમવાદીઓની સ્ટ્રેટેજી છે. તેઓ પણ મુલ્લાઓ, પંડિતજી, સરદારોને સમાજમાં ખુલ્લા મૂકી દે છે.

હાલમાં પણ શિક્ષિત લોકો સમાજમાં બધુંય સમજે છે પણ કઈ કરી નથી શકતા કારણ કે તેઓને કોઈ પણ પ્રકારનું બેકઅપ નથી. કે જે એ અંતિમવાદીઓના સરદારોને ભરપુર મળે છે.

રહી વાત અમેરિકાની, તો કોઈપણ જનતાને હક છે પોતાની પ્રાથમિક જરૂરિયાતો પ્રત્યે જાગૃત રહેવાની. અમરિકાની જનતા છેલ્લા ત્રણ ટર્મથી આત્યંતિક કહી શકાય એવાં રાજનૈતિકોને જ પ્રમુખ બનાવી રહ્યા હતા. ધીમે ધીમે લોકો એ સમજવા લાગ્યા. અને તેઓને આ બધાનું જ પ્રતિબિંબ હિલેરીમાં દેખાયું.

હા અમેરિકાની જનતા રિસ્ક લીધું છે. પણ મુર્ખામી નથી કરી. જો ટ્રમ્પ કોઈ ગડમથલ કરશે તો આવતી ટર્મમાં એને એનું ઓરીજનલ સ્થાન મળી જ જશે. પણ આ આપણા અંતિમવાદીઓનું એવું જરાય નથી. તેઓ કોઈ રીતે જાગૃત નથી. તેઓના માનસપટ પર બસ આજ ધાર્મિક અરાજકતા અને રાષ્ટ્રવાદી અસુરક્ષિતતાની ભાવનાઓ એટલી બેસાડી દેવામાં આવી છે કે લોકો પોતાની ઓળખ ભૂલી ગયા છે. લોકોને પોતાની પ્રાથમિક જરૂરિયાતો પણ યાદ નથી આવતી.

એ સમયમાં આપણે એવાં ઇન્કયુબેટરો તૈયાર કરવા રહ્યા જેમાંથી ઉત્તીર્ણ થતાં શિક્ષિતને બેકઅપ મળતું હોય. અને તેં લોકોને અને સમાજને જાગૃત કરી શકે.

Kamal Bharakhda

नदी का एक टुकड़ा

अकसर नदी के उस टुकड़े को यूँ महसूस होते रहेता की काश कोई तो मेरे बहाव को पानी दे दिया करता

सारे इंसान और जानवर मुझसे अपनी इच्छाएं लेते रहे और मुझे बिना कुछ देकर आगे बढ़ जाते...

पर वो संत जो पानी पीने आया था उसने बिलकुल ठीक कहा था कि, ए नदी के टुकड़े धैर्य रखना तुझे तेरी मंजिल जरूर मिलेगी

एकदिन ऐसा जरूर आया की वो नदी के टुकड़े की ख्वाइश हुई पुरी जब समंदर उसे थामने अपनी बाए फैलाए खड़ा था

उस वक्त वो नदी का टुकड़ा बोहोत रोया और मुस्कुराया और चल पड़ा समंदर के पास अपने सारे दुःख दर्द को सलाम किया और कहा

की ए रास्तो के पत्थर और खुदगर्जीयत अगर तुम न होते तो आज समंदर से मिलकर मेरी आत्मा इतनी तृप्त न होती

तेरे दर्द का सुक्रिया आप सभीका सुक्रिया और सबका अभिवादन करके चिर सुख में सामेल हो गया वो नदी का टुकड़ा।

ली कमल भरखड़ा

અમેરિકનોનો ટ્રમ્પવાદ

મેરિકાનાં પ્રમુખપદની ચૂટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમ્મેદવાર હિલેરી ક્લીન્ટનનો જ જયઘોષ થશે એવાં પત્થરની લકીર(!) જેવા અનુમાન સાથે રિપબ્લિકન પાર્ટીનાં ઉમ્મેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને હળવાશમાં લેવાઈ ગયાં. (સદગુણો નહીં પણ સ્પર્ધાત્મક બાબતે) જેને લીધે મને ટ્રમ્પને ચુંટણી દરમ્યાન સમજવાનો લ્હાવો ન મળ્યો, પરંતુ ટ્રમ્પના વ્યક્તિત્વની પૂર્વધારણાઓને લીધે વિશ્વનો સર્વોચ્ય એવાં અમેરિકાના પ્રમુખપદ માટેના ચુંટણી કાર્યક્રમને માણવાનો આનંદ પણ ગુમાવ્યો. છેલ્લે જે પરિણામ આવ્યું તેનાથી હું ખરેખર સ્તબ્ધ હતો. ડોનાલ્ડ ટ્રમ્પને અત્યાર સુધી હું એજ રીતે ઓળખતો હતો કે, તે અમેરિકાનો ખ્યાતનામ ઐયાશ બિઝનેશ ટાયકુન છે. જેથી અનપેક્ષિત પરિણામ સામે આવતા મારા આશ્ચર્યનો પાર જ ન હતો!




અમેરિકાના નાગરિકોની પસંદગી ટુંકી પડી કે પછી બંનેમાં ખરેખર ડોનાલ્ડ ટ્રમ્પ જ પ્રમુખપદનો સાચો દાવેદાર છે એ એમણે સાબિત કરી બતાવ્યું? બીજું આ ૨૦૧૬મું વર્ષ ઘણી વખત લિંકનની લીડરશીપ યાદ કરાવી ગયું. લિંકને ૧૮૬૧માં અમેરિકાનું પ્રમુખપદ સ્વીકાર્યું તે બાદ અમેરિકાને જે જે ક્ષેત્રો માટે પ્રમુખની જરૂર હતી તે તમામ ક્ષેત્રોમાં લિંકને કામ કરી બતાવ્યું. એવું જ હોય છે દરેક લોકશાહીમાં, દેશમાટે કાર્ય કરવાના વેકેન્ટ (ખાલી) ક્ષેત્રો મોજુદ જ હોય છે, હવે લીડર કોઈપણ આવડત વાળો હોય કે ન હોય, સદગુણો હોય કે ન હોય, પરંતુ જે ઉમ્મેદવાર ભવિષ્યના પ્લાનિંગસને લોકોના ગળે ઉતરાવી દે, અને એ કામ કરવાના ક્ષેત્રો બાબતેની વિભાવનાને સંપૂર્ણ સમજાવવાનો પ્રયત્ન કરે, આખરે એનાં લીડર બનવાના ચાન્સીસ વધે. પરંતુ અમેરિકન નાગરિકોનું પણ કહેવું પડે કે, પોતાની માંગણીઓ સાથે પોતે ક્યારેય સમાધાન નથી કરતા. આવાં વિચારો વચ્ચે યુદ્ધ ચાલી જ હતું ત્યાં, ઠાકોરજી જેમ નરસીંહ મહેતાની હુંડી સ્વીકારે, એમ ટીવીનું રીમોટ મને એ ચેનલ પર લઇ ગયું જ્યાં એ બધા વિચારોનું સમાધાન ચાલી રહ્યું હતું. એ શોનું નામ હતું....

“ડોનાલ્ડ ટ્રમ્પ: વાઈટહાઉસ સુધીની યાત્રા.”

ડોનાલ્ડ ટ્રમ્પની સફળ બિઝનેસ ટાયકુનથી લઈને અમેરિકાના પ્રમુખપદ સુધીની યાત્રા કઈ રીતે સંભવ બની અને તે વ્યક્તિ તરીકે ખરેખર કેવા છે એ બાબતે થોડા ઘણા અંશે જાણવા મળ્યું.

હું સમજણો થયો ત્યારથી “બુશ” અને “ઓબામા”ને જ અમેરિકાના પ્રમુખપદે જોયા હતા. તેઓ સ્વભાવે ગંભીર અને પ્રગાઢ રાજનૈતિક હોવાને લીધે મારી એમેરીકાને જોવાની દ્રષ્ટીમાં પણ એક પ્રકારની ગંભીરતા આવી હતી. એક જ ધારણા કે, અમેરિકા એટલે દુનિયાની રાજનીતિનું એપીસેન્ટર (કેન્દ્ર).

જયારે ડોનાલ્ડ ટ્રમ્પ એક ઐયાશ, સ્વકેન્દ્રીય, મલ્ટીબિલીયેનર અને પ્યોર અમેરિકન વ્યક્તિ. અમેરિકામાં ચુંટણી પ્રક્રિયા શરૂ થતા જ ડોનાલ્ડ ટ્રમ્પ વિષે જણાવ્યા એવાં વિચારોના બીજનું રોપણ મારા મગજમાં થઇ ચુક્યું હતું. (ચુંટણી પહેલા ટ્રમ્પની જાણકારી બાબતે હું લગભગ શૂન્ય હતો) મોટાભાગના લોકોને પણ જાણકારી નહીં જ હોય, પરંતુ શોમાં જે જાણવા મળ્યું એ ખરેખર રસપ્રદ અને માહિતીગાર હતું. (બની શકે શો એકતરફી હોય, પણ મેં નિષ્પક્ષ રહી જોવાનો પ્રયત્ન કર્યો. મહતમ મુદ્દાઓ જે આ લેખમાં સામેલ કરવા જઈ રહ્યો છું એ તમામ ક્રોસચેક કરેલ છે.)

લેખ આગળ વધારીએ એ પહેલા, શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પ, કે જેને સારા મેનેજર પણ માનવામાં નથી આવતાં એવાં વ્યક્તિ, પ્રમુખપદની દાવેદારીમાટે કેવી રીતે ઉત્તીર્ણ થઇ શકે? હવે લોકો એને વધાવશે કે નહીં એ આગળનો વિષય છે, પણ પ્રમુખપદ માટે દાવેદારી નોંધાવવા માટેનું કારણ એકવાર જાણી લેવું જરૂરી.

તો થયું એમ કે, ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની જાણીતા મોફંટ અંદાજમાં એક ટીવી શો ઈન્ટરવ્યુંમાં પ્રમુખ ઓબામાં પર વંશીય ટીપ્પણી કરી બેઠા. ટ્રમ્પનુ એ ઈન્ટરવ્યુંમાં એમ કહેવું હતું કે, જે વ્યક્તિએ અમેરિકામાં જન્મ ન લીધો હોય અથવા જે પૂર્ણ અમેરિકન ન હોય એ વ્યક્તિ આપણા દેશમાટે ન્યાયિક નિર્ણયો કઈ રીતે લઇ શકે? અને તેઓએ બરાક ઓબામાનાં બર્થ સર્ટીફીકેટ પર પણ શંકા ઉભી કરી! (બીજું ઘણુંબધું ઠાલવી દીધું હતું, પણ કેન્દ્રમાં મુદ્દો તો એજ હતો). તેના જવાબમાં ૨૦૧૧માં વોશીન્ગ્ટન ડી.સી.માં પ્રમુખ ઓબામાંએ વાઈટહાઉસમાં વાર્ષિક કોરોસ્પોનડેન્ટ એસોશિયેશનની મીટીંગમાં ટ્રમ્પની હાજરીનો ફાયદો ઉપાડીને પોતાના પર કરેલી વંશીય ટીપ્પણી બાબતે રીતસર લીધો. જી હાં! તેને લગભગ તમામ હાજર મહેમાનો વચ્ચે શાબ્દિક અપમાનિત તો કર્યો જ અને આગળ ફરી ક્યારેય એવી ટીપ્પણી ન કરી શકે એવી હાલત પણ કરી નાખી. બસ એ ઘડી અને આજનો દિવસ....જે છે એ તમારી સામે છે. કદાચ એ ક્ષણે જ ટ્રમ્પએ અમેરિકાના પ્રમુખપદ માટે લડવાનું વિચારી લીધું હતું. આગળ વધીએ...

બરાક ઓબામાં અમેરિકાના એક સફળ પ્રમુખ તરીકે કાયમ થઇ ગયા છે અને ઈતિહાસમાં પણ. પરંતુ તેઓએ મોટેભાગે પોતાના તમામ કાર્યકાળમાં વિદેશનીતિ અને આતંકવાદ જેવા મુદ્દાઓ પર વધારે ભાર મુક્યો છે. જોકે તેઓ સફળ પણ થયા જ, પરંતુ ગમે ત્યાં તેઓ અમેરિકન નાગરિકોની સામાન્ય જરૂરિયાતને પ્રાથમિકતા આપવાનું ચુકી ગયા. તેઓ પોતે પણ રાજનૈતિક પ્રકૃતિના હોવાને લીધે રાજકારણીય મુદ્દાઓ પર અડ્યા રહે એ સ્વાભાવિક હતું. પરંતુ એક દેશનાં પ્રમુખ તરીકેની પ્રાથમિકતા તેઓ ચુક્યા એવું લાગ્યું કે, જે મુદ્દો ટ્રમ્પ માટે પ્રમુખપદના તાળાની ચાવી સમાન હતો.  

સર્વ-સામાન્ય એમેરિકન નાગરિકોની જે જે સમસ્યાઓ હતી તેના પર જ ડોનાલ્ડ ટ્રમ્પએ ચુંટણી લડવાનું શરુ કર્યું. હિલેરી, ઓબામાંની જેમ જ અતિ-રાજનૈતિક સાબિત થયા. (હા! ચુંટણી જીતવા પાછળ સ્ત્રી-પુરુષનાં જાતિવાદને અહીંયા સેજ પણ વચ્ચે ન લાવતા. કારણકે એ તો ચુંટણી દરમ્યાન ડિબેટ અને અન્ય કાર્યક્રમોમાંજ હિલેરી ક્લીન્ટને સાબિત કરી આપ્યું હતું કે, તેઓ પુરુષ ઉમ્મેદવારથી કોઈપણ કક્ષામાં ઉતરતા નથી!) પરંતુ હિલેરીને ઉમ્મેદવાર સામે નહોતું જીતવાનું પણ લોકોમાં પોતાના પ્રત્યેનો વિશ્વાસ જગાડવાનો પણ હતો કે, તેઓ USAની તમામ જવાબદારી લેવા સક્ષમ છે, કે જે ડોનાલ્ડ ટ્રમ્પ શરૂઆતથી જ બેન્ડબાજા સાથે કરી રહ્યા હતા!

૨૦૧૬ની અમેરિકાના પ્રમુખપદ માટેની ચુટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનાં મુખ્ય મુદ્દાઓ.  

૧. પોતાનું પાવર-પેક અમેરિકન વ્યક્તિત્વ. ડોનાલ્ડ ટ્રમ્પ વિષે વધુ માહિતી મળી અને એ સમજાયું કે, અમેરિકનો કોઈ પ્રજાતિ કે સમાજ નથી. અમેરિકન એક અભિવ્યક્તિ (એટીટ્યુડ) છે. કે જે તમામ અમેરિકનોના જન્મ સાથે આવે છે. હાર ન માનનાર, અતિ ઉત્સાહી, સંશોધન અને લીડરશીપ. આ બધાય તત્વો એક અમેરિકનમાં હોવા જ જોઈએ એવું એ લોકો માનનાર છે. અને ડોનાલ્ડ ટ્રમ્પને સાંભળતા જ આ બધા ગુણો એમનામાં ભરી ભરીને પડ્યા છે એની બાતમી આપી જાય છે. 

૨. પોતે અપનાવેલું સ્લોગન(ટેગલાઈન, મંત્ર) “ચાલો, અમેરાકાને ફરી મહાન બનાવીએ “ અમેરિકનો માટે પોતાના દેશ માટેની લાગણી ભલે અભિમાનભરી હોય પણ સત્ય વાત તો એ જ છે કે, તેઓ હર એક પળ પોતાના એ અભિમાનને વિશ્વ સામે ટકાવી રાખવાના પ્રયત્નોમાં જ રહે છે. અને જો તેઓને આ ટકાવી રાખવા ડોનાલ્ડ ટ્રમ્પ જેવો લીડર મળે એટલે....ગંગા ન્હાયા.

૩. નોકરી, કે જે તમામ લોકોની પ્રાથમિક જરૂરિયાત છે. તેના માટેની તમામ વ્યવસ્થાઓ ઉભી કરવાનું વચન અને પ્લાનિંગ. પાછલા વર્ષોમાં અમેરિકન નાગરિકોએ નોકરી બાબતે ઘણી હાલાકીઓ ભોગવી છે. જે ઓબામા અથવા ડેમોક્રેટિક પાર્ટી પ્રત્યે લોકોનો રોષ હોઈ શકે. 

૪.  અમેરિકનોને બિનકાયદેસર પ્રવાસીઓથી ઘણી તકલીફ છે. પ્રવાસી (ઇમિગ્રન્ટ) બનીને કાયદેસર કે બિનકાયદેસર અમેરિકામાં આવીને અમેરિકનોના હકો પર પ્રવાસી લોકોના અધિકારથી પોતાના હકો પર થતા ભાગલા અમેરિકનોને જરાય પસંદ નથી. જે ટ્રમ્પ સમજી ગયા અને એ ખાલી જગ્યા એમણે એ કહીં ને ભરી લીધે કે, “ટ્રમ્પની સરકારમાં તમામ બિનકાયદેસર પ્રવાસીઓને અમરિકાથી બરતરફ કરવામાં આવશે” અને મેસીકન લોકો તરફ વધારે અણગમો બતાવ્યો. હમણાં જ એવાં સમાચાર મળ્યા છે કે બિનકાયદેસર એવાં ૩૦ લાખ પ્રવાસીઓને બરતરફ કરવામાં આવશે. (જોઈએ કેટલું થશે)

૫. ઉપરાંત દક્ષીણની બોર્ડર પર ચીન જેવી દીવાલ બનાવીને મેક્સિકન બોર્ડર પરથી અંદર ઘુસતા લોકો પર રોક લગાવવામાં આવશે.

ઉપર જણાવેલ પાંચ મુદ્દાઓ લોકોને પસંદ પડ્યા અને પરિણામ તમારી સામે છે. અમેરાકાના ભવિષ્યનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિષે થોડી માહિતી આપવા માંગું છું.   

શોમાં જોયું એ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પને લોકો વર્ષોથી ઓળખે છે. લોક તેનાથી પ્રભાવિત છે. તેમણે ભૂતકાળમા એવા એવાં નિર્ણયો લીધા છે જેને લીધે તેઓ લોકના માનસપટ પર વ્યક્તિગત રીતે ઘર કરેલા છે. 

એક મહિલા એડવોકેટ જે તે કારણોસર ટ્રમ્પ પર કેસ કરે છે અને ટ્રમ્પ પોતાની આદત મુજબ લાઈવ ટીવી શોમાં એ એડવોકેટને લુઝર કહીને સંબોધે છે અને ચર્ચાને પોતાની મરજી મુજબ ફંગોળી દે છે. થોડા દિવસ પછી ડોનાલ્ડ પોતે એ એડવોકેટ જ્યાં કામ કરે છે એ કંપનીમાં જાય છે અને એ એડવોકેટના બોસ સામે એના વખાણ કરતા કહે છે કે, “આ એડવોકેટને તમે છોડતા નહીં, તેઓ ખુબ બહાદુર છે અને તમને આવા વ્યક્તિ નહીં મળે” એ એડવોકેટ સ્તબ્ધ જ રહી જાય છે પણ ડોનાલ્ડ ટ્રમ્પ એ સમયે પોતાની અલગ પણ વિચારતા કરી મુકે એવી પોઝીટીવ ઈમેજ તેની સામે છોડી ગયા. તેઓ એ સમજાવી ગયા કે, તેઓ ફક્ત કોર્પોરેટ ગંદકી જ નથી સાથેસાથે સમસ્યાની બહાર નીકળીને પણ તેઓ લોકોને સમજી શકે છે અને ન્યાય આપી શકે છે. આ પ્રસંગ તો ઘણાં વર્ષો પહેલા બન્યો હતો પણ એનો ફાયદો અત્યારે એમને મળ્યો.

પોતાના હાજરીથી નુકશાન થાય એમ છે એવી અમેરિકન ફૂટબોલ લીગ ટીમના માલિક હોવા છતાંય પોતે જ પોતાની નેગેટીવ ઈમેજ ઉભી કરી સમસ્યાનું સમાધાન કરે છે, અને કારણ એ બહાર આવે છે કે, તેઓ નથી ઇચ્છતા કે પોતાના લીધે એ રમતને કોઈ પ્રકારનું નુકશાન થાય. એક અત્યંત ધંધાદારી પ્રકૃતિનો વ્યક્તિ આવા નિર્ણયો લે એ અજુગતું લાગે પણ આવાં અનેક દાખલાઓને લીધે જ લોકોના મગજમાં એક અલગ પણ સારી છાપ હતી. એટલે જ તો અમેરિકન લોકોના અરીસા જેવું વ્યક્તિત્વ ધરાવનાર ડોનાલ્ડ ટ્રમ્પને લોકોએ ચુંટણી જીતાડીને વધાવી લીધા.

ડોનાલ્ડ ટ્રમ્પ સ્વભાવે જનુની છે પણ સાથે સાથે સ્માર્ટ ટ્રબલશુટર (સમાધાનકારી) પણ છે. ડોનાલ્ડ ટ્રમ્પનાં પોતાના અતી-એક્ટીવ સ્વભાવને નિયંત્રણમાં રાખવાનું કામ એમના અધિકારીઓ જ કરશે પણ અમેરિકાને એક વિચિત્ર પણ અમેરિકાનો માટે યોગ્ય સાબિત થાય એવાં પ્રમુખ મળી રહ્યા છે એ નક્કી. હવે પછી ભવિષ્યમાં શું થશે એ જોઈએ.  

હવે એક વ્યવહારિક વાત કરી લઈએ. દરેક રાજકારણી કે રાજકીય પક્ષો ક્યાંકને ક્યાંક બાહ્ય પરિબળોથી નિયંત્રિત જ હોય છે. કારણકે, એમને કેમ્પેઈન ચલાવા માટે અને બીજા અનેક કાર્યોં માટે જે ફંડીગની જરૂરીયાત રહે તેના માટે એ કરવું જ રહ્યું. પણ, સાહેબ ટ્રમ્પનાં કેસમાં એવું જરાય નથી. તેને કોઈ બાહ્ય ફોર્સની જરૂર છે જ નહીં. એ પોતેજ પોતાનો ફંડ રેઈઝર છે! કદાચ એ વાત પણ લોકોમાં પોઝીટીવ અસર છોડી ગઈ કે, ટ્રમ્પની સરકાર કોઈ બાહ્ય નિયંત્રણમાં સેજ પણ નહીં હોય.

આ તમામ ચુંટણી માહોલમાં હિલેરી ક્લીન્ટન આગળ હોવા છતાં ટ્રમ્પ બાજી મારી ગયા તેનું કારણ અમેરિકાના નાગરિકોની પોતાની મુળ જરૂરિયાતો પ્રત્યેની જાગૃતતા છે. તેઓને પોતાની જરૂરિયાતોનું તો સંપૂર્ણ ભાન છે જ અને દેશ પ્રત્યે અભિમાન પણ છે, અને તેમના અભિમાનને સંતોષ આપવાનું કાર્ય જે કોઈ કરશે તો એ છે, ડોનાલ્ડ ટ્રમ્પ. જે રીતે ટ્રમ્પએ ચુંટણી જીતી એ મુજબ અમેરિકાએ પોતાનો ટ્રમ્પવાદ વિશ્વ સમક્ષ બતાવ્યો એમ કહીં શકાય.

આ બધામાં ટ્રમ્પએ કરેલા અમુક નેગેટીવ પ્રહારો પણ ભૂલાય એમ નથી. ધાર્મિક લાગણીઓને દુ:ભાવે એવી ટીપ્પણીઓ પાછી લઇ શકાય એમ તો નથી પણ ભડનો દીકરો ટ્રમ્પ માફી માંગે એવી અપેક્ષા પણ રાખી ન શકાય. હવે એ ટીપ્પણીઓનાં પાયામાં કેટલી ગંભીરતા છે એ તો સમય જ બતાવશે.

ટૂંકમાં, અમેરિકનો જેટલા ટ્રમ્પને જાણે છે એટલા ભાગ્યે જ કોઈ બીજા ઉમ્મેદવારને ઓળખતા હશે. પોતાની યુવાનીથી લઈને પ્રમુખ બનવા સુધીની તમામ જાણકારી લોકોના મોઢે છે. તેઓ હમેશા લોકોની ચર્ચામાં રહ્યા છે. તેઓ દૂધ દહીં વાળા નથી. ખોટાને ખોટું, પણ લોકોએ એમને વ્યક્તિગત રીતે પરિસ્થતિ સાચવતા પણ જોયા છે. એટલે આ વખતે રાણી તો બાપુ ટ્રમ્પની.

યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ એમેરીકાને એમના નવાં પ્રમુખ બદલ ખુબ અભિનંદન. નવા પ્રમુખ એમરિકા માટે તો સારા નિર્ણયો લેશે જ પણ સાથેસાથે પોતાના મોંફાટ અંદાજને કાબુમાં રાખી વૈશ્વિક રાજનીતિને પણ ન્યાયિક ઢબે સાચવશે એવી આશા રાખીએ.  
Written by Kamal Bharakhda

kamal.9328093207@gmail.com

કર્મ કહો કે પૈસો, છે તો બન્ને કમાણી

વ્યાજબી વાત
પૈસો ગમે તેટલો કેમ ન હોય, જો સરકાર સામે સાબીત ન કરી શકો તો કાળો.
એવી જ રીતે,
કર્મો જેટલાં પણ કરો, જો કોઈ માણસનુ ભલું ન કરી શક્યાં તો કાળા જ સમજવા.
Kamal Bharakhda

સમાજ, સ્ત્રી અને નિર્ણયશક્તિ


આજે સવારે, મારી બા(મમ્મી) સાથે બેઠો હતો અને વાત-વાતમાં અમારી ચર્ચા સ્ત્રીઓનાં સામાજિક હક ઉપર આવી પહોંચી. આજથી 50 વર્ષ પહેલાં પણ સૌરાષ્ટ્ર નાં કુટુંબમાં સ્ત્રીઓએ આપેલાં વચનો અને ન્યાયનિર્ણય જે રીતે કદર થતી હતી, તેના તપતા સૂરજ જેવો દાખલો મારી બા એ મને સંભળાવ્યો. ગર્વ લેવા જેવી જ વાત હતી.

મારી બા પ્રોપર સાવરકુંડલાના છે, અને વાત જયાં સ્ત્રીઓની સમાજમાં કદર ઉપર ગઇ ત્યાં જ એમણે ધડ દઈને પોતાની નજર સામે બનેલો દાખલો મને જણાવ્યો.

એ સમય હતો.. કાઠી દરબારી પ્રજાનો. જેને લીધે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના એ ભાગને “કાઠિયાવાડ” એવું નામ મળ્યું. દરબારી જાત એટલે એ સમયમાં, જેવું નામ, એવું જ કામ. વાત વાતમાં બાપુઓને ખમૈયા કરવાં પડે! અને નરી વાસ્તવિકતા પણ એજ હતી કે, પોતાનાં જોર અને સામાજિક મોભાને લીધે કોઈના થી પણ એમને કાંઇ કહી જ ન શકાય! એ જે કહે એ જ મુજબ ચાલવું રહ્યું. 

પરંતુ એવું કહેવાતું કે, તેઓ વચનનાં પાક્કા!

એ સમયે અમુક કાઠી દરબારો એ પ્રોપર સાવરકુંડલામાં વસવાટ કરવો પડ્યો અને જેનું ઘર વિશાળ હોય ત્યાં ભાડે અથવા સાથે રહેવાની ભલામણો મોકલાવાતી, અને જેને ત્યાં ભલામણો મોકલાવાય એ પછી જે પણ હોય, એની પરિસ્થતી તો એવી થઈ જાય કે, એનાથી ન તો નાં પડાય કે, હાં!

(એ સમયે સાવરકુંડલા ગામ ન હતું પણ શહેર હતું. હાલ પણ સાવરકુંડલા પોતાનાં ફેબ્રીકેશન અને વજન કાંટાનાં ઉદ્યોગને લીધે જાણીતું છે, અને એ સમયમાં સારામાંસારી તલવારો અને શસ્ત્રોનાં કારીગરો સાવરકુંડલામાં જ હતા.
હવે આવી ખડતલ પ્રજા કે, જેમાં પુરુષોનું પ્રધાનત્વ એક જ પળમાં સમજાઈ જાય ત્યાં સ્ત્રીઓની પરિસ્થતી શું હશે એ બાબતનો તો વિચાર પણ ન કરાય. કારણકે, આવાં પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓની સામાજિક પરિસ્થતી કથળતી જ હોય એવું માની લેવું અને અત્યાર સુધી એવું જ સંભાળતા આવ્યા છે.

પણ, હું ખોટો પડ્યો. મારી બા એ મને એમની સાથે થયેલા એક બનાવની વાત કહી ત્યાંજ મારાં જીવને થોડી રાહત થઈ.

એ સમયે, કાઠી દરબારો સાવરકુંડલા શહેરમાં જ રહેતા હતા, પણ વધતી-જતી માર્કેટને લીધે અમુક આજુ બાજુના ગામના લોકો પણ સાવરકુંડલામાં સ્થાપિત થવા આવ્યા. એ સમયે મારા નાનાને ત્યાં એક દરબારી ફેમીલી ભાડે રહેવા આવ્યું હતું. બાએ કીધું એ પ્રમાણે તેએ લગભગ ૨૦ વર્ષ જેટલું રહ્યા હતાં! એ લોકોનાં વહીવટ અને ખાનદાની ઉપર શંકા તો ન જ કરાય, પણ બા એ એવું મને કીધું કે, એમની પાસે ન તો તમે સામે ચાલીને ભાડું માંગી શકો કે ન તો એમ કહીં શકો કે, બાપુ જગ્યા ખાલી કરવી પડશે!

આમને આમ ૨૦ વર્ષ નીકળી ગયાં અને એક સમય એવો પણ આવ્યો કે, મારા નાનાને જગ્યાની જરૂરીયાત ઉભી થઇ. હવે બાપુને કહેવું કેમ કે, અમારે જગ્યાની જરૂર છે એટલે કૈંક રસ્તો કરો.

હવે વર્ષોના સંબંધોને લીધે બાપુ ના ઘર વાળા અને મારા નાના-નાની સાંજે મંદિરે આરતીમાં સાથે જતા અને દરરોજ એ બાપુના ઘરવાળા ઠાકોરજી સમક્ષ એવી પ્રાર્થના કરે કે, “હે પ્રભુ સૌનું સારું કરજો.” એટલે મારા નાનાએ એ પરિસ્થતીની ધ્યાનમાં રાખીને કહ્યું કે,

“ બા, હવે તમે અમારું સારું કરો! “ (નાના હોય કે મોટાં, પણ દરબારી સ્ત્રીઓને ત્યારે, “બા” કહી ને જ બોલાવવું પડતું)

એટલે દરબારના ઘરવાળા ત્યાંજ બધું જ સમજી ગયા અને એમણે તરત જ વચન આપ્યું કે,
“અમે અમારો રસ્તો કરી લઈશું, તમે ચિંતા ન કરતાં.”

અને છેલ્લે થયું પણ એજ. દરબારી સ્ત્રીનાં વચને બાપુ એ પણ જોખતું ભરવું પડ્યું અને હસીખુશીથી સમાધાન આવ્યું.

પરંતુ આ બધામાં મુળ વાત તો એ હતી કે, બાપુએ એ વખતે એમની સ્ત્રીનાં જે શબ્દો અને નિર્ણય સાચવ્યા એ શું હાલ સંભવ છે? શું મારા-તમારા ઘરની સ્ત્રીઓ આવા નિર્ણયો લઇ શકે? જેને ત્યાં લઇ શકતા હોય એમણે નમન. અને આવા અમુક દાખલાઓ જ બનતા હશે એટલે આવા દાખલાંઓને સેન્ટર બનાવીને સમસ્ત પરિસ્થતિ પર પાણી ઢોળી ન દેવાય. આ હક સ્ત્રીઓને તમામ સમાજે અને કુટુંબોએ આપવો જ રહ્યો. 


અંતે, સ્ત્રીઓ બાબતે સૌરાષ્ટ્રની આ બાજુ મને પહેલી વખત જાણવા મળી.

સમજોતા એક્સપ્રેસ

સમજોતા એક્સપ્રેસ એટલે ફક્ત ટ્રેન જ નથી ઉપરાંત તે બે પાડોશી દેશો વચ્ચેનાં ભાવનાત્મક જોડાણની અનુભૂત પણ છે. એક ટી.વી. શો પ્રોગ્રામમાં ભારત અને પાકિસ્તાનને જોડતી એકમાત્ર ખુબસુરત કડી એવી "સમજોતા એક્સપ્રેસ" તથા બંને દેશોનાં લોકો સાથે જોડાયેલી ભાવનાત્મક અને રસપ્રદ માહિતીઓ જાણવા મળી. મને જે અનુભવ થયો એ એટલો બધો સંવેદનશીલ હતો કે તેને શબ્દોમાં તો હું ભાગ્યે જ ઉતારી શકું! એક કલાકનો શો જોયાં બાદ મેળવેલ અનુભવનો રસ એટલો બધો રોચક અને લાગણી સભર હતો કે ખરેખર બે અલગ અલગ દેશો પણ એક જ ભાત-સંસ્કૃતિ વાળા દેશોમાં રહેતા સામાન્ય માણસોને સરહદ સાથે કાંઇ જ લેવા-દેવાં નથી! તેઓ તો બસ પાર્ટીશન બાદ પોતાનાથી વિખુટા પડી ગયેલાં પરિવારની એક જલક મેળવવા માટે પોત-પોતાનાં ભગવાન પાસે પ્રાર્થના કરતા હોય એવું લાગ્યું અને વાસ્તવિક દુનિયામાં એ તમામને ભેગા કરવાનું કામ એટલે સમજોતા એક્સપ્રેસ.



વર્ષ ૧૯૭૬માં શિમલા કરાર પછી સમજોતા એક્સપ્રેસનાં શ્રી ગણેશ સાથે કાયદેસર રેલ્વેમાર્ગ દ્વારા બે દેશો વચ્ચેમોટા પાયે “સામાન્યવ્યક્તિ વ્યવહાર” ફરી શરુ થયો. રાજકીય તકલીફોને લીધે કેટ-કેટલાય પરિવારો અને લોહીનાં સબંધીઓએ પાર્ટીશન બાદ અનુભવેલી વિરહ(વિરલ)-વેદનાં એટલી અત્યંતિક હોય છે કે, ક્યારેક સરહદ પાર રહેલા પોતાના સ્વજનની યાદ આવી જાય તો આંખના ખૂણામાંથી એક લાગણીનું મોતી વહી પડતું હશે! 

જયારે જૂની દિલ્લીનાં સમજોતા એક્સપ્રેસના “સ્પેશિયલ પ્લેટફોર્મ” પર ૬ કલાક પહેલા આવી ગયેલી એકમાતા, ૨૬ વર્ષનાં લાંબા સમય બાદ લાહોરથી આવી રહેલી પોતાની દીકરીને જે રીતે ભેટી પડે છે એ દ્રશ્ય ખરેખર ભાવનાત્મક હતું. એ દીકરી સમજોતા એક્સપ્રેસનો પણ તહે-દિલથી આભારમાની રહી હોય એમ, પોતાનીમાતાને ભેટ્યા પછી પ્લેટફોર્મ પર ઉભી રહેલી સમજોતા એક્સપ્રેસને જઈને ચૂમી આવે છે!

સ્ટોરીમાં એક એ ફેમિલીને પણ કવર કર્યું હતું કે, જેમાં લાહોરમાં રહેતા એક યુવકને એક આંખમાં કઇંક ઈજા થાય છે જેનાથી એને એક આંખથી સંપૂર્ણ અંધાપો આવે છે.તેનો ઈલાજ છેલ્લે કરાચીમાં પણ નથી થતો ત્યારે એ યુવક ઇન્ટરનેટની મદદથી દિલ્લીનાં એક આઈ-સર્જનના કોન્ટેકમાં આવે છે અને ડોક્ટર એ યુવકની પરિસ્થતિ સમજતાં જ એને, લાહોરથી દિલ્લી ઈલાજ માટે આવવાની તમામ પ્રક્રિયા તરત જ પૂરી કરી આપે છે. પાર્ટીશન બાદ યુવકના દાદા ભારતથી પાકિસ્તાન ગયેલા અને હવે એ છોકરો અને એના પિતાજી ત્યારબાદ પહેલી વખત ભારતમાં પ્રવેશ કરી રહ્યા છે અને એમને એક પ્રકારની નર્વસનેસ પણ છે કે, ભારત પહોંચીને શું થશે. વિઝા ક્લીઅર થતાં જ એ યુવક ભારતનાં હૈદરાબાદમાં રહેતા દુર સગાનો કોન્ટેક કરે છે અને એ સગા એમના દિલ્લીમાં રહેતા અને એ પાકિસ્તાની યુવકના તદ્દન અપિરિચિત વ્યક્તિની ઓળખાણ આપે છે કે, જેથી તેઓ જયારે લાહોરથી દિલ્લી પહોચે ત્યારે એમની મદદે કોઈ રહે. ડોક્ટર એ યુવકનો વધારે સમય વ્યર્થ ન કરતા, એ જ દિવસે તમામ રિપોર્ટો બરાબર આવતાની સાથે જ સર્જરી કરે છે અને રીઝલ્ટ જેવું જોઈએ એવું જ મળે છે. પોઝીટીવ.

હવે આ અહેવાલની ગાડીને ભાવનાત્મકનાં પાટા પરથી રસપ્રદ અને રોચક માહિતીઓનાં પાટા પર લઇ જાઉં છું. પાકિસ્તનમાં ભારતની સરહદ પાસે આવેલુ છેલ્લું ફાટક, બોર્ડરથી લગભગ ૩ એક કિલોમીટર જ દુર છે, અને ત્યાં ફાટક પર છેલ્લા ૩૨ વર્ષથી એકધારૂ ફરજ બજાવી રહેલ અધિકારીનું કામ ટ્રેન આવતાની સાથે જ ફાટક ચાલુ-બંધ કરવાનું છે. તેઓ આ સમજોતા એક્સપ્રેસ અને ભારત પાકિસ્તાન વચ્ચેના રેલ્વે માર્ગના એકમાત્ર એવાં વ્યક્તિ છે કે, જેઓ ૩૦ વર્ષથી આ સમજોતા એક્સપ્રેસનાં વ્યવહારનાં સાક્ષી છે. એમના કહેવા મુજબ, પહેલા માલગાડી અને સમજોતા એક્સપ્રેસની સાથે સાથે અન્ય કુલ ૪૪ ટ્રેનો દરરોજ ભારત-પાકિસ્તાનની બોર્ડર ક્રોસ કરતી હતી. હવે સમય જતા ફક્ત એક જ ટ્રેન વધી છે અને એ છે, સમજોતા એક્સપ્રેસ.

દિલ્લી થી લોહોરની અને લાહોર થી દિલ્લીની ટ્રેન યાત્રાનો વહીવટ પણ ખુબ રસપ્રદ છે. અને કદાચ ઘણા ને ખ્યાલ નહીં હોય, એટલે જ આ લેખ લખવાની ઈચ્છા થઇ. ભારત-પાકિસ્તાન બોર્ડર પર, ભારત બાજુ “અટારી ગામ” અને પાકિસ્તાન બાજુ “વાઘા ગામ” આવેલું છે. અટારી સ્ટેશન અને વાઘા સ્ટેશન વચ્ચે લગભગ ૩ કિલોમીટરનું અંતર છે. બંને સ્ટેશનો પર પોતપોતાના દેશોની સુયોજિત અને કડક, ઈમિગ્રેશન અને સિક્યોરીટી પ્રોસેસ છે.

ભારતથી નીકળતી સમજોતા એક્સપ્રેસ છેક લાહોર સુધી નથી જતી! પણ બોર્ડર ક્રોસ કરીને ફક્ત પાકિસ્તાનના વાઘા સ્ટેશન સુધી જ જાય છે. ત્યાં દરેક પેસેન્જરોએ ઉતરીને ઈમિગ્રેશન પ્રોસેસ અને અત્યંત જરૂરી એવી સિક્યોરીટી પ્રોસેસો પૂરી કરવી પડે છે. ત્યાર પછી ૩થી ૪ કલાક બાદ યાત્રીઓને વાઘા સ્ટેશનથી લાહોર જવા માટે પાકિસ્તાન રેલ્વેની ટ્રેનમાં સફર કરવી પડે છે. તેમ જ પાકિસ્તાનથી નીકળતી સમજોતા એક્સપ્રેસ ભારતની બોર્ડર ક્રોસ કરીને ફક્ત અટારી સ્ટેશન સુધી આવે છે અને ત્યાંપણ યાત્રીઓએ બધી લીગલ પ્રોસેસ પૂર્ણ કરીને ૮ કલાક બાદ અટારીથી દિલ્લીની નોન-સ્ટોપટ્રેન મળે છે. જીહાં! નોન સ્ટોપ, અને એ એટલા માટે કે, કોઈ વ્યક્તિ ટ્રેનમાંથી નીકળી-આવી ન શકે, જે રાષ્ટ્રીય સુરક્ષાનો વિષય થયો. આ બધું પતે એટલે ટ્રેન લગભગ અડધી રાત્રે ૩:૨૦ દિલ્લી પહોચાડે છે. લાહોરથી-દિલ્લી ભલેને ફક્ત ૫૦૦ કિલોમીટરનું અંતર કેમ ન હોય, દરેક પ્રોસેસોમાંથી પસાર થતા થતા આખરે યાત્રીઓ સમજોતા એક્સપ્રેસ દ્વારા બંને જગ્યા એ પહોંચતાલગભગ ૨૪ કલાક જેટલો સમય લાગે જ છે.

દિલ્લીમાં ફક્ત સમજોતા એક્સપ્રેસને ધ્યાનમાં રાખીને એક અલગ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે અને ત્યાં સંપૂર્ણ સ્વતંત્ર સિક્યોરીટી, સુયોજિત તંત્ર અને અધિકારીઓની વ્યવસ્થાઓનો સંપૂર્ણ બંધોબસ્ત છે.

ટ્રેન વાઘા બોર્ડરથી અટારી પહોંચે અથવા અટારીથી વાઘા પહોંચે ત્યાં સુધી અટારી અને વાઘા એમ બંને સ્ટેશનનાં હેડ માસ્તરોનાં ફોન સદંતર ચાલુ જ હોય છે. જેથી તાત્કાલિક સમયમાં અગર ટ્રેનની બોર્ડર ક્રોસ પર રોક લગાવવામાં આવે તો એ લોકો નિર્ણયો લઇ શકે. યાત્રીઓ માટે પાકિસ્તાન જવા માટેનાં વિઝા અને ભારત આવવા માટેનાં વિઝા મળવા ખરેખર ખુબ અઘરા છે. બંને દેશોની ઈન્ટેલીજન્સ બ્યુરો દ્વારા ક્રોસ ચેક કરીને જ વિઝા ઓફર થાય છે અને ક્યારેક વર્ષોના વર્ષો નીકળી જતા હોય છે વિઝા પાસ થતા. સમજોતા એક્સપ્રેસના આટલા મોટા સમયકાળમાં ફક્ત ૨૦૦૭માં એક જ વખત આંતકવાદી હુમલો થયો છે.

પાકિસ્તાન થી સમજોતા એક્સપ્રેસ દ્વારા ભારત આવનાર લોકો દર વર્ષે લગભગ પચાસ હજાર જેટલા હોય છે અને ગુરુનાનકનું જન્મ સ્થળ હાલ પાકિસ્તાનમાં હોવાને લીધે ભારતના શીખ સમુદાયનાં લગભગ દોઢ લાખ લોકો દર વર્ષે ગુરુનાનકનાં જન્મ સ્થળે ગુરુદ્વારાની મુલાકાત લેવાનો સુવર્ણ અવસર મળે છે. શીખોનાં મતે ગુરુનાનકનાં જન્મ સ્થળની મુલાકાત લેવી એટલે હજ કરી કહેવાય.

આ માહિતી કરતા પણ કઇંક વિશેષ જાણવા મને મળ્યું હોય તો એ: એ છે કે બંને દેશના લોકોને એકબીજાના દેશમાં આવ્યા બાદ પોતાના દેશ જેવી જ અનુભૂતિ થાય છે. પેલાંયુવકને લાહોર અને જૂની દિલ્લીમાં બાંધકામ, બોલી, રહેણી કરણી, નાના નાના ગલી ખુંચા એમ બધું સરખું લાગ્યું. છેવટે એક સમયે બંને દેશ એક જ તો હતા. તો વિભિન્નતાઓની અપેક્ષા શુકામ રાખીએ? ઠીક છે મુળ મુદ્દે બંને દેશનો મુસાફરોએ પોતપોતાના પાડોશી દેશ મુદ્દે સુખદ અનુભવ લઈને જ ગયા છે.

હવે તો એજ અપેક્ષા રાખી શકીએ કે, કાશ એક દિવસ એવો આવશે જયારે બંને દેશોનીવચ્ચે એક નહીં પણ ઘણી, એવી સમજોતા એક્સ્પ્રેસો ચાલી નીકળશે અને એકંદરે છુટ્ટા અને વિખુટા પડી ગયેલા પરિવારો એકબીજાને આસાનીથી મળી શકશે.

અત્યારે હાલમાં પણ વિશાળ ઉજ્જડ રણ જેવા ભારત પાકિસ્તાનનાં સબંધો હોવા છતાય એક સુગંધિત ગુલાબનાં ફૂલ જેવી સમજોતા એક્સપ્રેસ બંને દેશોને પોતાની સુગંધ આપી રહ્યું છે અને એકદંરે એ પણ સમજાવી રહ્યું છે કે, અમન અને શાંતિ સિવાય કોઈ બીજો રસ્તો નથી સમાધાન માટે. મને આશા છે કે એ દિવસ આવશે, જરૂર આવશે એ દિવસ.

Written by Kamal Bharakhda 






"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો