સમાજ, સ્ત્રી અને નિર્ણયશક્તિ


આજે સવારે, મારી બા(મમ્મી) સાથે બેઠો હતો અને વાત-વાતમાં અમારી ચર્ચા સ્ત્રીઓનાં સામાજિક હક ઉપર આવી પહોંચી. આજથી 50 વર્ષ પહેલાં પણ સૌરાષ્ટ્ર નાં કુટુંબમાં સ્ત્રીઓએ આપેલાં વચનો અને ન્યાયનિર્ણય જે રીતે કદર થતી હતી, તેના તપતા સૂરજ જેવો દાખલો મારી બા એ મને સંભળાવ્યો. ગર્વ લેવા જેવી જ વાત હતી.

મારી બા પ્રોપર સાવરકુંડલાના છે, અને વાત જયાં સ્ત્રીઓની સમાજમાં કદર ઉપર ગઇ ત્યાં જ એમણે ધડ દઈને પોતાની નજર સામે બનેલો દાખલો મને જણાવ્યો.

એ સમય હતો.. કાઠી દરબારી પ્રજાનો. જેને લીધે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના એ ભાગને “કાઠિયાવાડ” એવું નામ મળ્યું. દરબારી જાત એટલે એ સમયમાં, જેવું નામ, એવું જ કામ. વાત વાતમાં બાપુઓને ખમૈયા કરવાં પડે! અને નરી વાસ્તવિકતા પણ એજ હતી કે, પોતાનાં જોર અને સામાજિક મોભાને લીધે કોઈના થી પણ એમને કાંઇ કહી જ ન શકાય! એ જે કહે એ જ મુજબ ચાલવું રહ્યું. 

પરંતુ એવું કહેવાતું કે, તેઓ વચનનાં પાક્કા!

એ સમયે અમુક કાઠી દરબારો એ પ્રોપર સાવરકુંડલામાં વસવાટ કરવો પડ્યો અને જેનું ઘર વિશાળ હોય ત્યાં ભાડે અથવા સાથે રહેવાની ભલામણો મોકલાવાતી, અને જેને ત્યાં ભલામણો મોકલાવાય એ પછી જે પણ હોય, એની પરિસ્થતી તો એવી થઈ જાય કે, એનાથી ન તો નાં પડાય કે, હાં!

(એ સમયે સાવરકુંડલા ગામ ન હતું પણ શહેર હતું. હાલ પણ સાવરકુંડલા પોતાનાં ફેબ્રીકેશન અને વજન કાંટાનાં ઉદ્યોગને લીધે જાણીતું છે, અને એ સમયમાં સારામાંસારી તલવારો અને શસ્ત્રોનાં કારીગરો સાવરકુંડલામાં જ હતા.
હવે આવી ખડતલ પ્રજા કે, જેમાં પુરુષોનું પ્રધાનત્વ એક જ પળમાં સમજાઈ જાય ત્યાં સ્ત્રીઓની પરિસ્થતી શું હશે એ બાબતનો તો વિચાર પણ ન કરાય. કારણકે, આવાં પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓની સામાજિક પરિસ્થતી કથળતી જ હોય એવું માની લેવું અને અત્યાર સુધી એવું જ સંભાળતા આવ્યા છે.

પણ, હું ખોટો પડ્યો. મારી બા એ મને એમની સાથે થયેલા એક બનાવની વાત કહી ત્યાંજ મારાં જીવને થોડી રાહત થઈ.

એ સમયે, કાઠી દરબારો સાવરકુંડલા શહેરમાં જ રહેતા હતા, પણ વધતી-જતી માર્કેટને લીધે અમુક આજુ બાજુના ગામના લોકો પણ સાવરકુંડલામાં સ્થાપિત થવા આવ્યા. એ સમયે મારા નાનાને ત્યાં એક દરબારી ફેમીલી ભાડે રહેવા આવ્યું હતું. બાએ કીધું એ પ્રમાણે તેએ લગભગ ૨૦ વર્ષ જેટલું રહ્યા હતાં! એ લોકોનાં વહીવટ અને ખાનદાની ઉપર શંકા તો ન જ કરાય, પણ બા એ એવું મને કીધું કે, એમની પાસે ન તો તમે સામે ચાલીને ભાડું માંગી શકો કે ન તો એમ કહીં શકો કે, બાપુ જગ્યા ખાલી કરવી પડશે!

આમને આમ ૨૦ વર્ષ નીકળી ગયાં અને એક સમય એવો પણ આવ્યો કે, મારા નાનાને જગ્યાની જરૂરીયાત ઉભી થઇ. હવે બાપુને કહેવું કેમ કે, અમારે જગ્યાની જરૂર છે એટલે કૈંક રસ્તો કરો.

હવે વર્ષોના સંબંધોને લીધે બાપુ ના ઘર વાળા અને મારા નાના-નાની સાંજે મંદિરે આરતીમાં સાથે જતા અને દરરોજ એ બાપુના ઘરવાળા ઠાકોરજી સમક્ષ એવી પ્રાર્થના કરે કે, “હે પ્રભુ સૌનું સારું કરજો.” એટલે મારા નાનાએ એ પરિસ્થતીની ધ્યાનમાં રાખીને કહ્યું કે,

“ બા, હવે તમે અમારું સારું કરો! “ (નાના હોય કે મોટાં, પણ દરબારી સ્ત્રીઓને ત્યારે, “બા” કહી ને જ બોલાવવું પડતું)

એટલે દરબારના ઘરવાળા ત્યાંજ બધું જ સમજી ગયા અને એમણે તરત જ વચન આપ્યું કે,
“અમે અમારો રસ્તો કરી લઈશું, તમે ચિંતા ન કરતાં.”

અને છેલ્લે થયું પણ એજ. દરબારી સ્ત્રીનાં વચને બાપુ એ પણ જોખતું ભરવું પડ્યું અને હસીખુશીથી સમાધાન આવ્યું.

પરંતુ આ બધામાં મુળ વાત તો એ હતી કે, બાપુએ એ વખતે એમની સ્ત્રીનાં જે શબ્દો અને નિર્ણય સાચવ્યા એ શું હાલ સંભવ છે? શું મારા-તમારા ઘરની સ્ત્રીઓ આવા નિર્ણયો લઇ શકે? જેને ત્યાં લઇ શકતા હોય એમણે નમન. અને આવા અમુક દાખલાઓ જ બનતા હશે એટલે આવા દાખલાંઓને સેન્ટર બનાવીને સમસ્ત પરિસ્થતિ પર પાણી ઢોળી ન દેવાય. આ હક સ્ત્રીઓને તમામ સમાજે અને કુટુંબોએ આપવો જ રહ્યો. 


અંતે, સ્ત્રીઓ બાબતે સૌરાષ્ટ્રની આ બાજુ મને પહેલી વખત જાણવા મળી.

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

પાક સોબાના

સામ, દામ, દંડ અને ભેદ

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ