અમેરિકનોનો ટ્રમ્પવાદ

મેરિકાનાં પ્રમુખપદની ચૂટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમ્મેદવાર હિલેરી ક્લીન્ટનનો જ જયઘોષ થશે એવાં પત્થરની લકીર(!) જેવા અનુમાન સાથે રિપબ્લિકન પાર્ટીનાં ઉમ્મેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને હળવાશમાં લેવાઈ ગયાં. (સદગુણો નહીં પણ સ્પર્ધાત્મક બાબતે) જેને લીધે મને ટ્રમ્પને ચુંટણી દરમ્યાન સમજવાનો લ્હાવો ન મળ્યો, પરંતુ ટ્રમ્પના વ્યક્તિત્વની પૂર્વધારણાઓને લીધે વિશ્વનો સર્વોચ્ય એવાં અમેરિકાના પ્રમુખપદ માટેના ચુંટણી કાર્યક્રમને માણવાનો આનંદ પણ ગુમાવ્યો. છેલ્લે જે પરિણામ આવ્યું તેનાથી હું ખરેખર સ્તબ્ધ હતો. ડોનાલ્ડ ટ્રમ્પને અત્યાર સુધી હું એજ રીતે ઓળખતો હતો કે, તે અમેરિકાનો ખ્યાતનામ ઐયાશ બિઝનેશ ટાયકુન છે. જેથી અનપેક્ષિત પરિણામ સામે આવતા મારા આશ્ચર્યનો પાર જ ન હતો!




અમેરિકાના નાગરિકોની પસંદગી ટુંકી પડી કે પછી બંનેમાં ખરેખર ડોનાલ્ડ ટ્રમ્પ જ પ્રમુખપદનો સાચો દાવેદાર છે એ એમણે સાબિત કરી બતાવ્યું? બીજું આ ૨૦૧૬મું વર્ષ ઘણી વખત લિંકનની લીડરશીપ યાદ કરાવી ગયું. લિંકને ૧૮૬૧માં અમેરિકાનું પ્રમુખપદ સ્વીકાર્યું તે બાદ અમેરિકાને જે જે ક્ષેત્રો માટે પ્રમુખની જરૂર હતી તે તમામ ક્ષેત્રોમાં લિંકને કામ કરી બતાવ્યું. એવું જ હોય છે દરેક લોકશાહીમાં, દેશમાટે કાર્ય કરવાના વેકેન્ટ (ખાલી) ક્ષેત્રો મોજુદ જ હોય છે, હવે લીડર કોઈપણ આવડત વાળો હોય કે ન હોય, સદગુણો હોય કે ન હોય, પરંતુ જે ઉમ્મેદવાર ભવિષ્યના પ્લાનિંગસને લોકોના ગળે ઉતરાવી દે, અને એ કામ કરવાના ક્ષેત્રો બાબતેની વિભાવનાને સંપૂર્ણ સમજાવવાનો પ્રયત્ન કરે, આખરે એનાં લીડર બનવાના ચાન્સીસ વધે. પરંતુ અમેરિકન નાગરિકોનું પણ કહેવું પડે કે, પોતાની માંગણીઓ સાથે પોતે ક્યારેય સમાધાન નથી કરતા. આવાં વિચારો વચ્ચે યુદ્ધ ચાલી જ હતું ત્યાં, ઠાકોરજી જેમ નરસીંહ મહેતાની હુંડી સ્વીકારે, એમ ટીવીનું રીમોટ મને એ ચેનલ પર લઇ ગયું જ્યાં એ બધા વિચારોનું સમાધાન ચાલી રહ્યું હતું. એ શોનું નામ હતું....

“ડોનાલ્ડ ટ્રમ્પ: વાઈટહાઉસ સુધીની યાત્રા.”

ડોનાલ્ડ ટ્રમ્પની સફળ બિઝનેસ ટાયકુનથી લઈને અમેરિકાના પ્રમુખપદ સુધીની યાત્રા કઈ રીતે સંભવ બની અને તે વ્યક્તિ તરીકે ખરેખર કેવા છે એ બાબતે થોડા ઘણા અંશે જાણવા મળ્યું.

હું સમજણો થયો ત્યારથી “બુશ” અને “ઓબામા”ને જ અમેરિકાના પ્રમુખપદે જોયા હતા. તેઓ સ્વભાવે ગંભીર અને પ્રગાઢ રાજનૈતિક હોવાને લીધે મારી એમેરીકાને જોવાની દ્રષ્ટીમાં પણ એક પ્રકારની ગંભીરતા આવી હતી. એક જ ધારણા કે, અમેરિકા એટલે દુનિયાની રાજનીતિનું એપીસેન્ટર (કેન્દ્ર).

જયારે ડોનાલ્ડ ટ્રમ્પ એક ઐયાશ, સ્વકેન્દ્રીય, મલ્ટીબિલીયેનર અને પ્યોર અમેરિકન વ્યક્તિ. અમેરિકામાં ચુંટણી પ્રક્રિયા શરૂ થતા જ ડોનાલ્ડ ટ્રમ્પ વિષે જણાવ્યા એવાં વિચારોના બીજનું રોપણ મારા મગજમાં થઇ ચુક્યું હતું. (ચુંટણી પહેલા ટ્રમ્પની જાણકારી બાબતે હું લગભગ શૂન્ય હતો) મોટાભાગના લોકોને પણ જાણકારી નહીં જ હોય, પરંતુ શોમાં જે જાણવા મળ્યું એ ખરેખર રસપ્રદ અને માહિતીગાર હતું. (બની શકે શો એકતરફી હોય, પણ મેં નિષ્પક્ષ રહી જોવાનો પ્રયત્ન કર્યો. મહતમ મુદ્દાઓ જે આ લેખમાં સામેલ કરવા જઈ રહ્યો છું એ તમામ ક્રોસચેક કરેલ છે.)

લેખ આગળ વધારીએ એ પહેલા, શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પ, કે જેને સારા મેનેજર પણ માનવામાં નથી આવતાં એવાં વ્યક્તિ, પ્રમુખપદની દાવેદારીમાટે કેવી રીતે ઉત્તીર્ણ થઇ શકે? હવે લોકો એને વધાવશે કે નહીં એ આગળનો વિષય છે, પણ પ્રમુખપદ માટે દાવેદારી નોંધાવવા માટેનું કારણ એકવાર જાણી લેવું જરૂરી.

તો થયું એમ કે, ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની જાણીતા મોફંટ અંદાજમાં એક ટીવી શો ઈન્ટરવ્યુંમાં પ્રમુખ ઓબામાં પર વંશીય ટીપ્પણી કરી બેઠા. ટ્રમ્પનુ એ ઈન્ટરવ્યુંમાં એમ કહેવું હતું કે, જે વ્યક્તિએ અમેરિકામાં જન્મ ન લીધો હોય અથવા જે પૂર્ણ અમેરિકન ન હોય એ વ્યક્તિ આપણા દેશમાટે ન્યાયિક નિર્ણયો કઈ રીતે લઇ શકે? અને તેઓએ બરાક ઓબામાનાં બર્થ સર્ટીફીકેટ પર પણ શંકા ઉભી કરી! (બીજું ઘણુંબધું ઠાલવી દીધું હતું, પણ કેન્દ્રમાં મુદ્દો તો એજ હતો). તેના જવાબમાં ૨૦૧૧માં વોશીન્ગ્ટન ડી.સી.માં પ્રમુખ ઓબામાંએ વાઈટહાઉસમાં વાર્ષિક કોરોસ્પોનડેન્ટ એસોશિયેશનની મીટીંગમાં ટ્રમ્પની હાજરીનો ફાયદો ઉપાડીને પોતાના પર કરેલી વંશીય ટીપ્પણી બાબતે રીતસર લીધો. જી હાં! તેને લગભગ તમામ હાજર મહેમાનો વચ્ચે શાબ્દિક અપમાનિત તો કર્યો જ અને આગળ ફરી ક્યારેય એવી ટીપ્પણી ન કરી શકે એવી હાલત પણ કરી નાખી. બસ એ ઘડી અને આજનો દિવસ....જે છે એ તમારી સામે છે. કદાચ એ ક્ષણે જ ટ્રમ્પએ અમેરિકાના પ્રમુખપદ માટે લડવાનું વિચારી લીધું હતું. આગળ વધીએ...

બરાક ઓબામાં અમેરિકાના એક સફળ પ્રમુખ તરીકે કાયમ થઇ ગયા છે અને ઈતિહાસમાં પણ. પરંતુ તેઓએ મોટેભાગે પોતાના તમામ કાર્યકાળમાં વિદેશનીતિ અને આતંકવાદ જેવા મુદ્દાઓ પર વધારે ભાર મુક્યો છે. જોકે તેઓ સફળ પણ થયા જ, પરંતુ ગમે ત્યાં તેઓ અમેરિકન નાગરિકોની સામાન્ય જરૂરિયાતને પ્રાથમિકતા આપવાનું ચુકી ગયા. તેઓ પોતે પણ રાજનૈતિક પ્રકૃતિના હોવાને લીધે રાજકારણીય મુદ્દાઓ પર અડ્યા રહે એ સ્વાભાવિક હતું. પરંતુ એક દેશનાં પ્રમુખ તરીકેની પ્રાથમિકતા તેઓ ચુક્યા એવું લાગ્યું કે, જે મુદ્દો ટ્રમ્પ માટે પ્રમુખપદના તાળાની ચાવી સમાન હતો.  

સર્વ-સામાન્ય એમેરિકન નાગરિકોની જે જે સમસ્યાઓ હતી તેના પર જ ડોનાલ્ડ ટ્રમ્પએ ચુંટણી લડવાનું શરુ કર્યું. હિલેરી, ઓબામાંની જેમ જ અતિ-રાજનૈતિક સાબિત થયા. (હા! ચુંટણી જીતવા પાછળ સ્ત્રી-પુરુષનાં જાતિવાદને અહીંયા સેજ પણ વચ્ચે ન લાવતા. કારણકે એ તો ચુંટણી દરમ્યાન ડિબેટ અને અન્ય કાર્યક્રમોમાંજ હિલેરી ક્લીન્ટને સાબિત કરી આપ્યું હતું કે, તેઓ પુરુષ ઉમ્મેદવારથી કોઈપણ કક્ષામાં ઉતરતા નથી!) પરંતુ હિલેરીને ઉમ્મેદવાર સામે નહોતું જીતવાનું પણ લોકોમાં પોતાના પ્રત્યેનો વિશ્વાસ જગાડવાનો પણ હતો કે, તેઓ USAની તમામ જવાબદારી લેવા સક્ષમ છે, કે જે ડોનાલ્ડ ટ્રમ્પ શરૂઆતથી જ બેન્ડબાજા સાથે કરી રહ્યા હતા!

૨૦૧૬ની અમેરિકાના પ્રમુખપદ માટેની ચુટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનાં મુખ્ય મુદ્દાઓ.  

૧. પોતાનું પાવર-પેક અમેરિકન વ્યક્તિત્વ. ડોનાલ્ડ ટ્રમ્પ વિષે વધુ માહિતી મળી અને એ સમજાયું કે, અમેરિકનો કોઈ પ્રજાતિ કે સમાજ નથી. અમેરિકન એક અભિવ્યક્તિ (એટીટ્યુડ) છે. કે જે તમામ અમેરિકનોના જન્મ સાથે આવે છે. હાર ન માનનાર, અતિ ઉત્સાહી, સંશોધન અને લીડરશીપ. આ બધાય તત્વો એક અમેરિકનમાં હોવા જ જોઈએ એવું એ લોકો માનનાર છે. અને ડોનાલ્ડ ટ્રમ્પને સાંભળતા જ આ બધા ગુણો એમનામાં ભરી ભરીને પડ્યા છે એની બાતમી આપી જાય છે. 

૨. પોતે અપનાવેલું સ્લોગન(ટેગલાઈન, મંત્ર) “ચાલો, અમેરાકાને ફરી મહાન બનાવીએ “ અમેરિકનો માટે પોતાના દેશ માટેની લાગણી ભલે અભિમાનભરી હોય પણ સત્ય વાત તો એ જ છે કે, તેઓ હર એક પળ પોતાના એ અભિમાનને વિશ્વ સામે ટકાવી રાખવાના પ્રયત્નોમાં જ રહે છે. અને જો તેઓને આ ટકાવી રાખવા ડોનાલ્ડ ટ્રમ્પ જેવો લીડર મળે એટલે....ગંગા ન્હાયા.

૩. નોકરી, કે જે તમામ લોકોની પ્રાથમિક જરૂરિયાત છે. તેના માટેની તમામ વ્યવસ્થાઓ ઉભી કરવાનું વચન અને પ્લાનિંગ. પાછલા વર્ષોમાં અમેરિકન નાગરિકોએ નોકરી બાબતે ઘણી હાલાકીઓ ભોગવી છે. જે ઓબામા અથવા ડેમોક્રેટિક પાર્ટી પ્રત્યે લોકોનો રોષ હોઈ શકે. 

૪.  અમેરિકનોને બિનકાયદેસર પ્રવાસીઓથી ઘણી તકલીફ છે. પ્રવાસી (ઇમિગ્રન્ટ) બનીને કાયદેસર કે બિનકાયદેસર અમેરિકામાં આવીને અમેરિકનોના હકો પર પ્રવાસી લોકોના અધિકારથી પોતાના હકો પર થતા ભાગલા અમેરિકનોને જરાય પસંદ નથી. જે ટ્રમ્પ સમજી ગયા અને એ ખાલી જગ્યા એમણે એ કહીં ને ભરી લીધે કે, “ટ્રમ્પની સરકારમાં તમામ બિનકાયદેસર પ્રવાસીઓને અમરિકાથી બરતરફ કરવામાં આવશે” અને મેસીકન લોકો તરફ વધારે અણગમો બતાવ્યો. હમણાં જ એવાં સમાચાર મળ્યા છે કે બિનકાયદેસર એવાં ૩૦ લાખ પ્રવાસીઓને બરતરફ કરવામાં આવશે. (જોઈએ કેટલું થશે)

૫. ઉપરાંત દક્ષીણની બોર્ડર પર ચીન જેવી દીવાલ બનાવીને મેક્સિકન બોર્ડર પરથી અંદર ઘુસતા લોકો પર રોક લગાવવામાં આવશે.

ઉપર જણાવેલ પાંચ મુદ્દાઓ લોકોને પસંદ પડ્યા અને પરિણામ તમારી સામે છે. અમેરાકાના ભવિષ્યનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિષે થોડી માહિતી આપવા માંગું છું.   

શોમાં જોયું એ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પને લોકો વર્ષોથી ઓળખે છે. લોક તેનાથી પ્રભાવિત છે. તેમણે ભૂતકાળમા એવા એવાં નિર્ણયો લીધા છે જેને લીધે તેઓ લોકના માનસપટ પર વ્યક્તિગત રીતે ઘર કરેલા છે. 

એક મહિલા એડવોકેટ જે તે કારણોસર ટ્રમ્પ પર કેસ કરે છે અને ટ્રમ્પ પોતાની આદત મુજબ લાઈવ ટીવી શોમાં એ એડવોકેટને લુઝર કહીને સંબોધે છે અને ચર્ચાને પોતાની મરજી મુજબ ફંગોળી દે છે. થોડા દિવસ પછી ડોનાલ્ડ પોતે એ એડવોકેટ જ્યાં કામ કરે છે એ કંપનીમાં જાય છે અને એ એડવોકેટના બોસ સામે એના વખાણ કરતા કહે છે કે, “આ એડવોકેટને તમે છોડતા નહીં, તેઓ ખુબ બહાદુર છે અને તમને આવા વ્યક્તિ નહીં મળે” એ એડવોકેટ સ્તબ્ધ જ રહી જાય છે પણ ડોનાલ્ડ ટ્રમ્પ એ સમયે પોતાની અલગ પણ વિચારતા કરી મુકે એવી પોઝીટીવ ઈમેજ તેની સામે છોડી ગયા. તેઓ એ સમજાવી ગયા કે, તેઓ ફક્ત કોર્પોરેટ ગંદકી જ નથી સાથેસાથે સમસ્યાની બહાર નીકળીને પણ તેઓ લોકોને સમજી શકે છે અને ન્યાય આપી શકે છે. આ પ્રસંગ તો ઘણાં વર્ષો પહેલા બન્યો હતો પણ એનો ફાયદો અત્યારે એમને મળ્યો.

પોતાના હાજરીથી નુકશાન થાય એમ છે એવી અમેરિકન ફૂટબોલ લીગ ટીમના માલિક હોવા છતાંય પોતે જ પોતાની નેગેટીવ ઈમેજ ઉભી કરી સમસ્યાનું સમાધાન કરે છે, અને કારણ એ બહાર આવે છે કે, તેઓ નથી ઇચ્છતા કે પોતાના લીધે એ રમતને કોઈ પ્રકારનું નુકશાન થાય. એક અત્યંત ધંધાદારી પ્રકૃતિનો વ્યક્તિ આવા નિર્ણયો લે એ અજુગતું લાગે પણ આવાં અનેક દાખલાઓને લીધે જ લોકોના મગજમાં એક અલગ પણ સારી છાપ હતી. એટલે જ તો અમેરિકન લોકોના અરીસા જેવું વ્યક્તિત્વ ધરાવનાર ડોનાલ્ડ ટ્રમ્પને લોકોએ ચુંટણી જીતાડીને વધાવી લીધા.

ડોનાલ્ડ ટ્રમ્પ સ્વભાવે જનુની છે પણ સાથે સાથે સ્માર્ટ ટ્રબલશુટર (સમાધાનકારી) પણ છે. ડોનાલ્ડ ટ્રમ્પનાં પોતાના અતી-એક્ટીવ સ્વભાવને નિયંત્રણમાં રાખવાનું કામ એમના અધિકારીઓ જ કરશે પણ અમેરિકાને એક વિચિત્ર પણ અમેરિકાનો માટે યોગ્ય સાબિત થાય એવાં પ્રમુખ મળી રહ્યા છે એ નક્કી. હવે પછી ભવિષ્યમાં શું થશે એ જોઈએ.  

હવે એક વ્યવહારિક વાત કરી લઈએ. દરેક રાજકારણી કે રાજકીય પક્ષો ક્યાંકને ક્યાંક બાહ્ય પરિબળોથી નિયંત્રિત જ હોય છે. કારણકે, એમને કેમ્પેઈન ચલાવા માટે અને બીજા અનેક કાર્યોં માટે જે ફંડીગની જરૂરીયાત રહે તેના માટે એ કરવું જ રહ્યું. પણ, સાહેબ ટ્રમ્પનાં કેસમાં એવું જરાય નથી. તેને કોઈ બાહ્ય ફોર્સની જરૂર છે જ નહીં. એ પોતેજ પોતાનો ફંડ રેઈઝર છે! કદાચ એ વાત પણ લોકોમાં પોઝીટીવ અસર છોડી ગઈ કે, ટ્રમ્પની સરકાર કોઈ બાહ્ય નિયંત્રણમાં સેજ પણ નહીં હોય.

આ તમામ ચુંટણી માહોલમાં હિલેરી ક્લીન્ટન આગળ હોવા છતાં ટ્રમ્પ બાજી મારી ગયા તેનું કારણ અમેરિકાના નાગરિકોની પોતાની મુળ જરૂરિયાતો પ્રત્યેની જાગૃતતા છે. તેઓને પોતાની જરૂરિયાતોનું તો સંપૂર્ણ ભાન છે જ અને દેશ પ્રત્યે અભિમાન પણ છે, અને તેમના અભિમાનને સંતોષ આપવાનું કાર્ય જે કોઈ કરશે તો એ છે, ડોનાલ્ડ ટ્રમ્પ. જે રીતે ટ્રમ્પએ ચુંટણી જીતી એ મુજબ અમેરિકાએ પોતાનો ટ્રમ્પવાદ વિશ્વ સમક્ષ બતાવ્યો એમ કહીં શકાય.

આ બધામાં ટ્રમ્પએ કરેલા અમુક નેગેટીવ પ્રહારો પણ ભૂલાય એમ નથી. ધાર્મિક લાગણીઓને દુ:ભાવે એવી ટીપ્પણીઓ પાછી લઇ શકાય એમ તો નથી પણ ભડનો દીકરો ટ્રમ્પ માફી માંગે એવી અપેક્ષા પણ રાખી ન શકાય. હવે એ ટીપ્પણીઓનાં પાયામાં કેટલી ગંભીરતા છે એ તો સમય જ બતાવશે.

ટૂંકમાં, અમેરિકનો જેટલા ટ્રમ્પને જાણે છે એટલા ભાગ્યે જ કોઈ બીજા ઉમ્મેદવારને ઓળખતા હશે. પોતાની યુવાનીથી લઈને પ્રમુખ બનવા સુધીની તમામ જાણકારી લોકોના મોઢે છે. તેઓ હમેશા લોકોની ચર્ચામાં રહ્યા છે. તેઓ દૂધ દહીં વાળા નથી. ખોટાને ખોટું, પણ લોકોએ એમને વ્યક્તિગત રીતે પરિસ્થતિ સાચવતા પણ જોયા છે. એટલે આ વખતે રાણી તો બાપુ ટ્રમ્પની.

યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ એમેરીકાને એમના નવાં પ્રમુખ બદલ ખુબ અભિનંદન. નવા પ્રમુખ એમરિકા માટે તો સારા નિર્ણયો લેશે જ પણ સાથેસાથે પોતાના મોંફાટ અંદાજને કાબુમાં રાખી વૈશ્વિક રાજનીતિને પણ ન્યાયિક ઢબે સાચવશે એવી આશા રાખીએ.  
Written by Kamal Bharakhda

kamal.9328093207@gmail.com

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ