ગુજરાત સમાચારમાં આજની હેડલાઈનને બીજી રીતે જોવામાં આવે તો સત્ય વધારે સામે આવશે એવું મને લાગે છે.
આજની હેડલાઈન નીચે પ્રમાણે હોવી જોઈએ.
“ ગુજરાત રાજ્યમાં ગોંડલ – જામકંડોરણામાં સાત દલિતોને આવનાર ચુંટણી બાબતે અમુક રાજકીય પક્ષોએ પોતાના રાજકીય ફાયદાઓ માટે આત્મવિલોપનનો પ્રયાસ કરાવડાવ્યો “
ઉનામાં જે થયું એ જાણી ઘણી તકલીફ થઇ કે ગૌ-રક્ષા કરનારા મનુષ્યોને સમજવામાં સદંતર નિષ્ફળ રહે છે.
પરંતુ કોઈપણ વ્યક્તિને દલિત કહેવું કેટલું ઉચિત છે?
આપણી ગુજરાતી પ્રજા અને એમાં પણ સૌરાષ્ટ્રની પ્રજાની વાત કરીએ તો ખ્યાલ આવે કે ગમે તેટલી મુશ્કેલી કેમ ન હોય પરંતુ બપોરનું જમવાનું અને નીંદર જો એ નેવે ન મૂકી શકતી હોય તો એ આત્મવિલોપન જેવા પ્રયાસો ન જ કરે અગર કોઈ ઉશ્કેરણી ન હોય તો.
ભારતને છોડો પણ ગુજરાતની પ્રજા એટલી પણ મૂર્ખી નથી કે શું ચાલી રહ્યું છે એ એક વખતમાં જ સમજી ન શકે. જો ખરેખર ચુંટણી લડનાર કોઈપણ પક્ષે ગુજરાતને સર કરવું હોય તો ગુજરાતને સમજવું જરૂરી છે નહીં કે ભાજપને. જેણે એ પ્રયાસ કર્યો સત્તા હંમેશા એના પક્ષે જ આવી છે.
મહેરબાની કરી જાતિવાદને ઉભો ન કરવાની પ્રાર્થના છે. તેની સામે બીજા ઘણા મુદ્દાઓ છે જેના પર તમે લડત લડીને ગુજરાત સર કરી શકો છો.
૧. ગુજરાતમાં તથાકથિત મૂડીવાદીઓ સામે લડો.
૨. બુટલેગરો અને એમના નેટવર્કનાં હોદ્દાદારોને પકડી ને સામે લાવો
૩. ગુજરાતના જ કારીગરોને ન મળતા પ્લેટફોર્મ વિષે લડો
૪. લોકોને RTI અને બંધારણ સમજાવીને પોતાના હકો માટે લડતા શીખવાડો
૫. ગુજરાતમાં પ્રાથમિક કેળવણીનાં પાયા સ્વરૂપ સારી શિક્ષણ સંસ્થાઓનાં પ્લાનિંગ બતાવો
૬. કાર્યરત સરકાર દ્વારા ન થઇ રહેલા કાર્યોને લોકો સમક્ષ લાવો જેમકે, હાઇવે, નહેર, સમારકામ વગેરે વગેરે.
૭. બિનકાર્યરત પક્ષ એ ઉચ્ચ કોટીના વિઝીલીયંસ સાબિત થઇ શકે તેમ છે. એ કરો.
૮. ગૌ-રક્ષા, જંગલ અને અન્ય પ્રાણીઓને લઇને જે જે અમાનવીય પ્રવુત્તિઓ ચાલે છે એમની વિગતવાર તપાસ કરાવો. પરંતુ આ સંદર્ભે દલિત જેવા મુદ્દાને સામે લાવવાની જરૂર જરાય નથી.
હું જ્યાં સુધી ગુજરાતી પ્રજાને જાણું છું એ હદ પર જઈને વાત કરું તો, જ્યાં સુધી પોતાની રોજની રોટલીનો વહીવટ પૂરો ન કરે ત્યાં સુધી એ કોઈ પંચાતમાં ન પડનાર વર્ગ છે. અરે સાહેબ, સૈન્યમાં ગુજરાતીની ભરતીનાં આંકડા જોઇને ખ્યાલ આવે કે ગુજરાતી પ્રજા જાનમાલનાં રિસ્ક લેવામાં માનનાર નથી. તો આ દલિત જેવા મુદ્દા પર આવા પ્રયાસો થાય એ કેટલી હદે પ્રામાણિક સમજવા ?
મહેરબાની કરી દલિત જેવા મુદ્દાઓને સમાજમાંથી નાબુદ કરો. અને ઉપર જણાવેલ મુદ્દાઓ પકડીને આગળ આવવા વિનંતી છે. અમે તહે દિલથી આવકારશું.
જય હિંદ
કમલ ભરખડા.