https://www.youtube.com/watch?v=a5V6gdu5ih8
કેસરી એવો જંગલનો રાજ, નદીનાં એક નાના ફાટા ઉપર કૃપા કરતો હોય એમ પાણી પી રહ્યો છે. પાણી પીધાં પછી ફાટા ઉપરથી કુદકો મારી આગળ હાલવાનું રાખે છે.
જંગલનાં ધીરને હજી ખબર નથી કે એની આજુ-બાજુ યમની ટોળકી વાત જોઇને ઉભી છે. હાયના તરીકે ઓળખાતાં ૨૦ એક જંગલી કુતરાઓનું ટોળું એકલા હાવજ ને ભાળી હરખાઈ રિયા છે.
કૂતરાઓ એકલો પડી ગયેલા હાવજ હામે જોઇને કટાક્ષમાં હાસ્ય,નાદ-ઉન્માદમાં છે. કોણ જાણે સદીઓથી કુતરાઓની જાત આ હાવજ હાટુ જ બેઠી હયશે એવા દ્રશ્યો ભાળી મારા તો રુંવાડા બેઠાં થઇ ગ્યા તા.
હાવજ ને ગણતરીની પળોમાં ખબર પડી ગઈ કે, આજે આ કૂતરીનાં એમનમ નઈ જાવા દે, મારો કહ કાઢી ને જ જંપ લેશે.
જોતજોતામાં જંગલનો રાજ, પ્રાંતનો રખવાળો અને ખુમારીથી છબછબતો હાવજ એના મોઢેથી મોક્ષને દ્વારે ગયેલી હરણીની જેમ એ ધરતી ઉપર ધમપછાડા કરતો દેખાય છે. કારણ, કે કૂયતરાવએ હવે એની મંશા પાકી કરી દીધી છે. ઈ આ ૧૮ મણનાં હાવજ ને કોળીયો બનાવીને જ હાહ લેશે.
હાવજ એના જીવનની સૌથી મોટી ત્રાડું પાડતો જાય છે અને એક પછી એક જે-જે કુતરાવ પાહે આવે છે એને ઇન્દ્રનાં વજ્ર સમાન પંજાનાં જાપટે ને જાપટે કુતરાવને હાકોટી રિયો છે.
હાવજ હડી-કાઢીને ન્યાથી ભાગી હકે એમેય નથી. યમ આંટા મારતો હોય ત્યારે ધરતીની દીધેલી નામના અને કોટો ક્યાંય કામ નથી લાગતો. ઈ તો જનની ખોળેથી વારસામાં મળેલી ખુમારી અને જજુમવાની તાકાત જ ટાણે કામ લાગે છે.
હાવજ ત્રાડું પાયડે જાય છે અને હાકોટા મારતો જાય છે અને મભમમાં કેતો જાય છે કે, “હાલતીનાં થાવ”. જોતજોતામાં કુતરાવ લગભગ બે હાથ જેટલા પાંહે આવી ગ્યા છે. હાવજ ચકેડીએ ચડી ગ્યો છે અને કુતરાવનાં બટકા ખમી રયો છે.
હાવજને એની માં નાં ધાવણ યાદ આવવાની તૈયારી જ હતી ત્યાં પરમેશ્વર એની ઉપસ્થિતિ હોમે છે. હાવજની ત્રાડું હાંભળી નજીકમાં જ રખડતો બીજો હાવજ એ જ દિશામાં આગળ વધે છે. અને ત્યાં કુતરાવ એના સાથીની લડત જોઈ ઈરાદો નક્કી કરે છે અને એને બચાવવા હાલી નીકળે છે.
ખુમારી આ જ હતી, ૨૦ ની હામે બે નું કોઈ તોલ નો આવે ઈ કદાચ ઈ બીજા હાવજ ને ય મનમાં આય્વું તો હ્ય્શે જ પણ ઈ વિચાર કર્યા વગર જ આગળ વધ્યો અને બીજા હાવજની પધરામણીએ જ કુતરાવની ટોળકી અસ્તવ્યસ્ત થઇ અને સુરજનાં આગમન સાથે જેમ અંધારું એની વાટ પકડી લે એમ ઈ કુતરાવ હાલતીનાં થઇ ગ્યા.
હાવજને બીજા હાવજે તણાવી દીધો અને ત્યારબાદ બને હાવજે લાડ કર્યા અને પેલાં હાવજે પેટ ભરીને આભાર વ્યક્ત કર્યો. અને ખાધું પીધું ને રાજ કર્યું.
આ આખું દ્રશ્ય તમે વાંચ્યુ પણ ખરા અને વિડીયોમાં જોયું પણ ખરા. પરંતુ તમને હાર્દ સમજાયું?
હાર્દ એ હતું કે, તમે ગમે ઈ હાવજનાં કટકા કેમ નો હોવ એકલો કોઈ કાઈ જ નથી. યુનિટી જ જરૂરી છે. સાથે રહેવું જ જરૂરી છે. ભેગા રહેવું જ જરૂરી છે. કુતરાવ જેવો સમય નિમંત્રણ પત્રિકા સાથે નથી આવતો.
- કમલ ભરખડા #કમલમ