હું જ્યારે સેકેન્ડરી સ્કૂલમાં હતો, ત્યારે કમ્પ્યુટર્સ અમારા માટે એક જાદુઈ વસ્તુ હતી. હું વાત કરું છું વર્ષ 2001ની આસપાસ. હું ત્યારે ધોરણ સાત માં અભ્યાસ કરતો હતો. મેં તરત જ કમ્પ્યુટરનાં ટીચર સાથે મિત્રતા કરી લીધી અને તેમણે મને તેમનો આસિસ્ટન્ટ બનાવી લીધો. એ સમયમાં જ ટીચરે મને માઈક્રોસોફ્ટ એક્સલ એપ્લિકેશન બતાવ્યું. અને એમણે મને જયારે સમ ફન્કશન (Sum Function) અને ઇફ ફંક્શન (If Function) કઈ રીતે કામ કરે શીખવાડ્યું. એ રાત્રે તો મને નીંદર જ ન આવી. મારુ મગજ ત્યારે જ દોડવા લાગી ગયું હતું. પછી મેં વધુ ને વધુ જાણવાનો પ્રયત્ન કર્યો અને મેં મારુ પ્રથમ નાનું એપ્લિકેશન બનાવ્યું. એ હતું વિદ્યાર્થીઓનાં માર્ક્સને ગણી ને તેના પર્સેન્ટેજ કાઢી આપતી શીટ.
એ સમયે મારા માટે તો એ બહુ જ મોટી વાત હતી. એ માર્કશીટ એપ બનાવવા માટે મેં એક જ (single) એક્સલ શીટનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ મેં ટીચર ને એ શીટ બતાવી અને તેઓ ખુશ થઇ ગયા પણ એક જ શીટ ની અંદર બધું હતું એટલે અસ્તવ્યસ્ત લાગતું હતું એટલે ટીચરે મને તરત જ કહ્યું કે, "તે આ બધું એક જ શીટ માં કેમ બનાવ્યું છે?"
એ પછી ટીચરે બીજી શીટ ઇન્સર્ટ કરી અને મારી દુનિયા ફરીથી બદલી ગઈ. હું જાણતો ન હતો કે હું બીજી શીટ પણ ઇન્સર્ટ કરી શકું છું.
જીવન પણ કઈંક આવું જ હોય છે. આપણે બસ લાગેલા રહીએ છીએ કે એક જ પ્રકારની સમસ્યા માટે એક જ પ્રકારનાં સમાધાન સાથે. આપણે જીવનના બીજા આયામો તરફ તો નજર કરતા જ નથી અથવા તો જાણવાનો પણ પ્રયત્ન કરતા નથી.
જીવનના નવા આયામો કદાચ એક ક્લિક પર સામે નથી આવતા પણ એ હોય છે એ નક્કી.
#Kamalam