ચક-દે-ઇન્ડિયા

આ વખતે, “ચક-દે-ઇન્ડિયા” જેવા હેવી શીર્ષક સાથે કોઈ ખેલ-રમતને નહીં પણ ભારતીય ઉદ્યોગ પ્રણાલીને પ્રાણ આપવાનું કાર્ય કરવું છે. લેટ્સ ગો...

“અમદાવાદ” સ્થાપ્યું ત્યારે વત્તા ઓછા પ્રમાણે સ્વચલિત કાપડ ઉદ્યોગ તો ચાલુ જ હતો પરંતુ જેવો મિલ અને કારખાનાઓનો જમાનો આવ્યો ત્યારે અમદાવાદ શહેર ફક્ત ભારતનું જ નહીં પણ વૈશ્વિક કક્ષાએ કોટન(ખાદી) કાપડનું મેન્યુફેક્ચરિંગ(ઉત્પાદન) કેન્દ્ર બન્યું હતું!

રણછોડલાલ છોટાલાલ દ્વારા ઇ.સ.૧૮૬૧નાં આસપાસ અમદાવાદને મળી તેની પહેલી કાપડની મિલ. પછી જોતજોતામાં ઈ.સ.૧૯૦૫ સુધીમાં તો અમદાવાદમાં “૩૩” જેટલી જાયન્ટ મિલો અને મબલખ મેકેનીકલ વર્કશોપોના સહારે સંપૂર્ણ સ્વદેશી પ્રોડક્ટ બની રહી હતી. (સંપૂર્ણ સ્વદેશી પ્રોડક્ટ એટલે, વિચારથી માંડી તેના ઉત્પાદન સુધીની તમામ જરૂરિયાતો દેશમાંથી જ પૂરી થતી હોય) હા, જોકે કાપડના ઉદ્યોગને-અર્જુનને નારાયણ જેવો ગાંધીજીરૂપે પ્રથમ વિશ્વયુદ્ધનાં ગાળામાં સ્વદેશી અભિયાનનો લાભ મળ્યો, જેમાં લોકો એ વિદેશી વસ્તુનો બહિષ્કાર કર્યો હતો અને પોતાની જ જમીનમાં કપાસ જેવા પાકને લણી, ખાદી કાપડ તૈયાર કરવું અને પહેરવું જેવા નિયમો લીધા. અમદાવાદમાં કાપડનું પ્રોડક્શન એ હદે વધી ગયું હતું કે તેને વિશ્વમાં પૂર્વ ભાગનું માન્ચેસ્ટર તરીકે પણ ઓળખવા લાગ્યું હતું. 

મને ક્યારેક વિચાર આવ્યા કરે કે, એ વખતની “રાજકીય વ્યવસ્થા” જાણે કેવી હશે કે, અમદાવાદ તો ઠીક પણ ભારત પાસે એક એવી કોર્પોરેટ વ્યવસ્થા હતી જ્યાંથી ઉત્પાદન થતાં કાપડનો વ્યાપાર ફક્ત ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં થતો! ચાલો માની લઈએ કે, એ સમયમાં દેશને અંગ્રેજોની ગુલામીમાંથી સ્વતંત્ર કરવા માટે લોકો દ્વારા એ કરાવવું જરૂરી હતું! તો શું દેશ સ્વતંત્ર થયા બાદ કોઈ લક્ષ્ય જ નથી(?) કે જેના દ્વારા લોકોમા ફરી ક્રાંતિ આવી શકે અથવા દેશ વૈશ્વિક કક્ષાએ નવી સિધ્ધિઓ સર કરે?

તે સમયે કોટન જ નહિ પરંતુ એવીતો કેટલીયે પ્રોડક્ટ્સ ભારતથી એક્સપોર્ટ(નિકાસ) થતી હતી અને ભારતમાં પણ એટલાં જ પાયે ઉપયોગ થતો હતો. ગળી, મરી-મસાલા, લોખંડને કાટ રહિત કરવાની પ્રોસેસ, તાજા-ફળો, ડ્રાય-ફ્રુટ, ચામડા, લાકડા, ઔષધી, કાગળ, આમલી, ગોળ, કેસર, ઘઉં, ચોખા વગેરે વગેરે.

બીજુ એ કે, આ બધા પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવાં માટે અત્યંત આવશ્યક એવી માહિતી-સંશોધન, રો-મટીરિયલ્સ (કાચો માલ), વિશેષજ્ઞો, કારીગરો, જન-મજુર અને દેશી પદ્ધતિવાળા યંત્રોની વ્યવસ્થા પણ ભારત પોતે જ કરતું હતું! જી હા! ઉત્પાદન હેતુ લાગતા-વળગતા સંશાધનોની વ્યવસ્થા પણ જયારે દેશ પોતે જ પોતાના ઉપખંડમાંથી કરે ત્યારે દેશ ખરા અર્થે સ્વતંત્ર, સમૃદ્ધ અને શક્તિશાળી બને છે.

આ મુદ્દાને વિસ્તૃતપણે સમજવા અમેરિકાનો દાખલો લઇ શકીએ. શરૂઆતમાં અમેરિકાએ તેની સંપૂર્ણપણે તેની શક્તિ ખેતી ઉત્પાદન પર ખર્ચી હતી. આગળ જેમ જેમ દેશમાં વિદેશી વસાહતો વધતી ગઈ એમ ખપત વધતા અમેરિકન સરકારે ઓછી કાર્યક્ષમતા સામે વધારે ઉત્પાદન લઇ શકાય એવાં યંત્રોની શોધ ચાલુ કરી. અને આગળ તો તમને ખબર જ છે શું થયું અને શું નહીં. નાની મોટી એવી ઘણી પ્રોડક્ટ ભારતમાં હશે જ પણ એવી એકપણ પ્રોડક્ટનું ઉત્પાદન ભારત હવે નથી કરી રહ્યું જેના પર ભારતની અર્થવ્યવસ્થા ચાલતી હોય! ભારતને આંતરરાષ્ટ્રીય કક્ષાનો પ્રોડક્ટ બનાવવો જ રહ્યો જેને તે એક્સપોર્ટ કરી સારું એવું માળખું અહિયાં ઉભું કરી શકે.

આજે જાપાન, કોરિયા, જર્મની, ફ્રાંસ અને તમામ વિકસિત દેશો પોતાની જ ટેકનોલોજી અને પોતાના જ સંશાધનોનું ઉત્પાદન કરી વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ્સ માર્કેટમાં આપે છે. ભારતની જેમ ફક્ત ઉત્પાદન કરી અથવા એસેમ્બલ કરીને દેશ ઉંચો ન આવે. લોકોનું શિક્ષણ અને સમજણ એ લેવલ પર લાવવું પડશે જેથી તેઓની ખરીદ શક્તિમાં વધારો થાય, જેથી તેઓ નીતનવીન પ્રોડક્ટ્સ અને સર્વિસીસને આવકાર્ય આપી શકે જેથી તેમની જીવનશૈલીમાં સુધારો આવે. 

હાલમાં ભારતમાં કોઈપણ પ્રોડક્ટ્સનાં ઉત્પાદન માટે આંતરરાષ્ટ્રિય પેટન્ટની જરૂર પડે છે. ઉત્પાદનનું કાર્ય શરુ કરાવવા માટે પણ વિકસિત દેશોને વિશેષજ્ઞોની જરૂરિયાત ઉભી જ રહે છે! તો ઉત્પાદનમાં ભારતની ભાગીદારી શું? ફક્ત મજુરી? શું ભારતના શિક્ષણમાં કે સંશાધનોમાં એ ક્ષમતા જ નથી કે તે પોતાની પેટન્ટ ઉપર કાર્ય કરે અને એક એવો પ્રોડક્ટ ઉભો કરે જે સંપૂર્ણ ભારતીય હોય?

ડો. સી.વી.રામન, ગણિતજ્ઞ રામાનુજન, જગદીશ ચંદ્ર બોઝ, હોમી ભાભા, ચંદ્રશેખર, વિક્રમ સારાભાઇ અને બીજા અનેક ધુરંધરોએ પોતાનું પ્રાથમિક શિક્ષણ ભલે ભારતમાં પૂર્ણ કર્યું હોય પણ પોતાની થીયરી અને પેટન્ટસ માટે એમને યુરોપ અથવા અમેરીકન યુનીવર્સીટીઝનો જ દ્વાર ખખડાવવો પડ્યો હતો. શું ભારત પાસે એ સુવિધા ન હતી? શું ભારત પાસે ખરેખર એ ક્ષમતા નથી કે એ પોતાની સંપૂર્ણ સ્વચલિત સીસ્ટમ ઉભી કરી શકે જેમાંથી દુનિયાના નહીં પણ બ્રહ્માંડનાં દિગ્ગજ તૈયાર થઇ શકે? અહીં વાત સાથે કામ કરવાની નથી અહીં વાત છે સંપૂર્ણપણે “પરાવલંબી” રહેવાની સડી ગયેલી આદત બાબતે. એમ તો અમેરિકનો પણ ઇઝરાયલ, કોરિયન, જાપાનીઝ, ચાઇનીઝ અને યુરોપીયન દિગ્ગજો વગર કૈંજ નથી પણ છતાં તેઓ સંપૂર્ણ પરાવલંબી નથી હોતા. તેઓ સાથે મળીને કાર્ય કરે છે. તો ભારતનો વૈજ્ઞાનિક કેમ નહીં? ભારતીય વિશેષજ્ઞો પોતાનું બેસ્ટ આપે ત્યાં પહેલા તો એમને અમેરિકા અથવા બીજા દેશની સીટીઝનશીપ(નાગરિકત્વ) મળી ચુકી હોય છે.   

ભારતનો દરેક વ્યક્તિ જેટલો ઉત્સાહી; રાજકારણ, સમાજ અને અધ્યાત્મિક ગુણો ને લઈને હોય છે એટલો એ વિજ્ઞાન અને બીજા પ્રગતિદાયક મુદ્દાઓ પ્રત્યે ઓછા જ હોય છે. ગમે તેમ કરી એ માનસિકતામાં ધરખમ ફેરબદલની જરૂર છે.

હાલ તો ભારતમાં શિક્ષણ સંસ્થાઓ ફક્ત ડીગ્લી (ડીગ્રી)  ધારી મજુરો તૈયાર કરે છે પણ વિશેષજ્ઞ નહીં. ભારતમાંથી ઉતીર્ણ થયેલ દરકે વિદ્યાર્થી ફ્રેશર જ હોય છે. જયારે અમેરિકન અને યુરોપીયન યુનિવર્સીટીઝ માંથી ઉતીર્ણ થતા વિદ્યાર્થીઓ એક અનુભવ સાથે બહાર આવે છે. કોઈપણ મલ્ટી લેવલ કોર્પોરેટ કંપની તેમને સ્વીકારવા હંમેશા તત્પર જ રહે છે.

જે પ્રયત્ન કરતા હશે એમને એ ખ્યાલ જ હશે કે, જે ભારતીય વિદ્યાર્થીઓને વિદેશી યુનિવર્સીટીમાં અભ્યાસ કરવો છે એમને અનુસ્નાતકના ભણતર માટે પણ હવે જેતે ક્ષેત્રોનો મીનીમમ ૨ વર્ષનો અનુભવ માંગતા થઇ ચુક્યા છે(!)

ભારતની સૌથી મોટી ખામી એ છે કે, અત્યારે દરેક વ્યક્તિ જે વ્યવસાય કરવા ઈચ્છે છે તે સ્ટોક કરી વેચાણ કરવાનો જ પ્રયત્ન કરશે અથવા ચાઈના અથવા બીજી ઉત્પાદક દેશોમાંથી તૈયાર પાર્ટ્સ મંગાવીને એસેમ્બલીંગ હાઉસ તૈયાર કરશે જેને તેઓ ઉત્પાદન ખાતું એવું નામ આપી રહ્યા છે(!) શું ખરેખર તેને ઉત્પાદન કહીં શકાય?

વિચાર, પ્રોડક્ટ-ડીઝાઇન, કાચો-માલ, કાચા-માલનું ઉત્પાદન, વ્યક્તિ સંશાધન, આઈડિયા મોડલ, કાર્યરત પ્રોટોટાઈપ (મીની કાર્યરત પ્લાન્ટ), પેટન્ટ, વગેરે વગેરે પ્રોસેસો પ્રોડક્ટનાં ડેવલોપમેન્ટમાં સામેલ થાય ત્યારે એક સ્વદેશી કહી શકાય એ કક્ષાનો પ્રોડક્ટ તૈયાર થાય છે. અને આ બધી જ પ્રોસેસમાં સરકારે સાથ આપવાનો હોય છે.

કેન્દ્રીયમંત્રી પીયુષ ગોયલનાં હેઠળ સૌરઊર્જાનો ઉપયોગ કરવા કેન્દ્ર સરકાર ઘણુંખરું મથી રહી છે. દેશને મોટાપાયે કાર્બન-લેસ (પ્રદુષણ રહિત) ઉર્જા મળવાના લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે અને આ પ્રયાસની નોંધ હાલમાં તમામ વિશ્વ લઇ રહ્યું છે, જે દેશ માટે ગૌરવવંતી વાત કહીં શકાય. પણ, સૌરઊર્જાના ફેલાવ માટે ઉપયોગી એવી સોલાર પેનલ(સૂર્ય ઉર્જાને ઈલેક્ટ્રીકલ ઉર્જામાં ફેરવનાર યંત્ર) અને અન્ય સોલાર પ્રોડક્ટ્સ ભારત હાલ અમેરિકાથી ઈમ્પોર્ટ કરે છે!

સરકારને મારો પ્રશ્ન છે કે, શું ભારત સોલાર પેનલનું પ્રોડક્શન અહીં ન કરાવી શકે? અત્યારે સોલાર પેનલને લાગતીવળગતી દરેક પેટન્ટસ હવે ઓપન છે. એટલે કે, કોઈપણ દેશને ઉત્પાદન હેતુ મૂળભૂત તકનીકનો ઉપયોગ યોગ્ય લાઇસન્સ હેઠળ કરી શકે છે. તો ઉત્પાદન કરવા માટે સરકારને શું નડી રહ્યું છે? શું સરકાર પોતે કોઈ પ્રોડક્શનની મથામણમાં ન પડી શકે? શું જરૂરી છે કોઈ પ્રાઇવેટ કોર્પોરેટ સંસ્થા જ પ્રથમ પગલું ભરે? શું સરકાર પ્રોડક્ટનાં ઉત્પાદન હેતુ કોઈ રિસ્ક લેવા સક્ષમ જ નથી? શું સરકાર પાસે જરૂરી એવાં વિશેષજ્ઞો નથી? તો પછી અહીં થી એક્સપોર્ટ થતા બ્રેઈનપાવર કોણ છે?

આજે જો ભારત એ જ સોલાર પ્રોડક્ટનું ઉત્પાદન અહી દેશમાં જ કરવા લાગે તો કેટલો બધો વિકાસ થઇ શકે છે. યુવાન ફ્રેશર્સને રોજી મળી રહેશે અને દેશમાં દરેક વર્ષે ઘેટા-બકરાની જેમ નીકળતા એન્જીનીયરોનો અને અન્ય વિશેષજ્ઞોનો ઉપયોગ કરી શકે છે. અંતે તેઓ માટે પણ ભણતર બાદ તુરંત જ કમાણીના દ્વાર ખુલવા માંડે અને ફ્રેશર્સને પ્રેસર તો આપવું જ પડે. ફ્રેશર્સને અભ્યાસ દરમ્યાન જ હેવી ટાર્ગેટ આપવા પડશે. તો જ એમની દાનત અને એમના નસીબમાં સુધારો આવશે. આ મુજબની સરકારની દ્રષ્ટી હોવી ખુબ જરૂરી છે.

હું સ્વીકારું છું કે, ગ્રાઉન્ડ લેવલ પર આ વાત કરવી જ સરળ હોઈ શકે કાર્ય નહીં! પણ જો ખરેખર અઘરું અને અશક્ય જ હોત તો અમેરિકા અને અન્ય પ્રગતિ પામી ચૂકેલ રાષ્ટ્રો, શું કામ એ કરી શકે છે અને આપણે કેમ નહીં?

લોકો કહેશે રાજનીતિ! અરે, શું રાજનીતિ.....એ રાજનેતા ઓ મારી-તમારી માંગણીઓને નિશાન બનાવીને વોટબેંક ઉભી કરે છે. આજે દેશનાં જ દરેક વ્યક્તિની પ્રાથમિકતા જ જો તેનો ધર્મ હોય તો રાજકારણીઓ બીજો મુદ્દો લાવે જ શુંકામ? એ આપણા સૌને એ જ મુદ્દે ઘસેટીને ફરી એજ કાદવમાં લાવ્યા કરશે.

અનામત, બળાત્કાર, અને બીજા અનેક દુષણો નાથવા માટે ભારતીય યુવાનો અનેક અભિયાનમાં જોડાયાં છે, તેની સામે ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિ અને ફ્રેશર્સને રોજગાર જેવા મુદ્દાઓ માટેના અભિયાનો ઉભા થયા હોય એવાં દાખલાઓ લગભગ નહીંવત છે. જેવી રોજગારની વાતો નીકળે ત્યાં ફરી પાછી અનામતની વાત આવી બેસે છે. પણ એ રીતે તો ગાડું નહીં જ ચાલે!

દેશ જો ભવિષ્યમાં આગળ હશે તો એ યુવાનો ને લીધે જ, જેઓ ભવિષ્યની એ ઝુંબેશો અને અભિયાનોનાં ભાગ હશે જે રોજગાર અને શિક્ષણ માટેના હશે.

ભૂતકાળમાં કદાચ પ્રાચીન ભારતનાં સમૃદ્ધ હોવાનાં કારણો પણ ઉપર જણાવેલ વ્યવસ્થા પર જ નભતી હશે. તો જ કોઈ રાષ્ટ્ર સમૃદ્ધ નીવડે. શું એ વ્યવસ્થા ભારતમાં ફરી પાછી ઉભી થઇ શકે છે?

એવું તો એ સમયમાં શું હતું જે અત્યારે નથી?  ચક-દે-ઇન્ડિયા. ફરી જરૂર છે એક થવાની અને દેશ માટે કઇંક કરવાની.

- કમલ ભરખડા

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ