ગ से ગુજરાતી और વ से વાંચક નહીં પણ વાતોડિયા


હા, સાચી વાત છે...આ આપણા ગુજરાતીઓને વાંચન સાથે કૈંક અલગ જ પ્રકારનો અણબનાવ છે. મોટાભાગના ગુજરાતીઓએ એમના સંપૂર્ણ જીવનમાં બુધવારની પૂર્તિ અને ગુજરાત સમાચારથી વધુ કૈંજ નહીં વાંચ્યું હોય! અને જેઓ કઇંક વાંચે છે તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વાંચે છે અથવા ગ્લેમર (દેખાડા) માટે ;) આખરે હાથમાં બુક હોવી પણ સદીઓથી જ્ઞાની દેખાવવાનું પ્રતિક ગણવામાં આવે છે. ;)

ઠીક છે અમુક ગુજરાતીઓને તો એ વાતથી પણ કોઈ ફરક નથી પડતો પણ આપણા ગુજરાતીઓ એટલા વાતોડિયા એટલા વાતોડિયા કે ૩૦ એક મીનીટની ઓટલા-પંચાતમાં બુકર કે પુલિત્ઝર પ્રાઈઝ માટે નોમીનેટ થયેલા લેખક/લેખિકાની બુકનો ફાફડા કે ભજીયાં ખાતાખાતા સંપૂર્ણ રીવ્યુ આપી દે! અને અમુકતો, સાઉથની મુવીમાં ફીઝીક્સના નિયમોની ઐસીતૈસી જેવાં એક્શન સિક્વન્સ જોઇને સીટી મારવાવાળા પાછા એજ પપૈયાના છીણ, મરચાં અને લાલ-લીલી ચટણી સાથે ગરમાગરમ ભજીયાનું બટકું તોડીને પુસ્તકના અતિ-ગંભીર મુદ્દા પર પોતાનો “સ્વતંત્ર” અભિપ્રાય આપે પાછાં. ભાઈ ભાઈ. :p (ગુજરાતી છું એટલે ભજીયા સાથે મને શું પ્રિય છે એ લખવું તો વ્યાજબી જ છે) ગુજરાતી મિત્રો મળે ત્યારે કાંઈપણ બોલવું જરૂરી છે શું બોલવું એ જરાય મહત્વનું નથી. તેની જાણ તો હશે જ બધાને. (રહવા દો, આપણું અવલોકન બોલે છે)

ટુંકમાં, આપણા ગુજરાતીઓ અને વાંચનને કઇંક આવું જ છે. મુળ તો તકલીફ મને ત્યાં થઇ જયારે લગ્નમાં નિમંત્રિત લગભગ ૭૦૦ જણામાંથી ગણીને પાંચએક જેટલા NRI મહેમાનો ને લીધે લોકો કંકોત્રી અંગ્રેજીમાં છપાવી નાખતા હોય છે અને પાછાં તે ગુજરાતી જ હોય છે. એ હરખપદુડાઓ ને મારી નમ્ર અપીલ છે કે, તમે જેને કંકોત્રી આપવાના છો એમણે એમનું આખું જીવન ફક્ત ગુજરાત સમાચારની હેડલાઈન વાંચીને જ વિતાવ્યું છે. અને તેઓને તમે અંગ્રેજીમાં કંકોત્રી મોકલો એટલે બિચારો પહેલા તો ભણેલાને ગોતે. અને એ ઘરમાં હોય તો ઠીક પણ શેરીમાંથી બોલાવેલ ભણેશ્રી જયારે ઘરમાં આવીને કંકોત્રી ને વાંચન માટે ઉપાડે ત્યારે તેની મુખ મુદ્રીકાઓ જોવા જેવી હોય છે. જાણે એને UNમાં ભારત તરફી ભાષણ આપવા માટે સેન્ટર સ્ટેજમાં મહત્વનો મુદ્દો લઈને ન ઉભો હોય એવું પ્રદર્શન કરે!

એક તો ગુજરાતીઓને અંગ્રેજી સાથે બાપે માર્યા વેર અને એમાંય અત્યારે લગ્નકંકોત્રી અંગ્રેજીમાં જ છપાવવી જેવી ફેશનને લીધે ઘણી વખત મારા આત્માના ઊંડાણમાંથી એવો ઉદગાર નીકળી આવે છે કે, કૃપયા કરી જેને ત્યાં લગ્ન છે એવાં ઘર-ધણીને ને પ્રાર્થના કે, કંકોત્રી સાથે સાથે દુભાષિયાઓ પણ પોસ્ટ કરે(!) જેથી મુળ જમવાનો ટાઈમિંગ શું છે એ ખબર તો પડે! :p ;)

કહેવાનું એ કે, ગુજરાતી આપણી ફક્ત ભાષા નથી. એ આપણી ઓળખાણ છે. એ છે તો આપણે ગુજરાતી કહેવાયા છીએ. કંકોત્રી કે અન્ય આમંત્રણ અંગ્રેજીમાં કરવાથી આપણી શોભામાં અભિવૃદ્ધિ થાય એ જમાનો પણ છે જ પરંતુ ગુજરાતીને ભાષાને પ્રથમ પ્રાધાન્ય આપવું એ આપણી ફરજ છે. અહીં ગુજરાતી ભાષાને લઈને કોઈ “ભાષાવાદ” ઉભો કરવાનો મારો અભિગમ નથી. હું ફક્ત એટલું જ કહેવા ઈચ્છું છું કે, આપણે જે છીએ એ જ રહેવાના છીએ અને એ પણ છેલ્લે સુધી.......બસ એ સ્વીકારી લઈએ.

ચાલતા-ચાલતા કોઈ મોર્ડન ગુજરાતી યુવક/યુવતીને પગમાં ઠેસ વાગે અને જો અંગ્રેજીમાં “ઓહ માય ગોડ” જેવા ઉચ્ચારણ કાઢે તો એમને ફરી એકવાર માનવનિર્મિત ઠેસ પહોચાડો અને ત્યાર બાદ એમના મોં માંથી નીકળતો ઉદગાર ૧૦૦% એમની તળપદી ભાષામાં જ હશે. ;) “એ ટોપા, અક્કલમઠા, આંધળીના, ભાન નહીં પડતી તને... શું કામ માર્યું તે મને?” hahahahah અનુભવ છે બકા આપણો.

ચલો ત્યારે હવે મારો લેખનનો સમય પૂર્ણ થયો. હું અમદાવાદમાં જ્યાં રહું છું એ બા ને ત્યાં આજે જ ત્રણ-ત્રણ કંકોત્રીઓ આવી છે અને એ પણ અંગ્રેજીમાં(!) એટલે વાંચનનો સમય થઇ ગયો છે. આસ્ટલા વિસ્ટા. :p

જય જય ગરવી ગુજરાત,

જય હિંદ

લી. કમલ ભરખડા.


ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ