પતિ-પત્ની વચ્ચે સબંધોમાં વધતા અંતરના કારણો


સ્ત્રી પુરુષ વચ્ચે સબંધોમાં વધતા અંતરના કારણો? શું ખરેખર મનોવૈજ્ઞાનિક કારણો હોઈ શકે?

પુરુષને સ્ત્રીની કઈ વાત થી તકલીફ હોઈ શકે?
તેના સ્વભાવથી? ના/કદાચ
તેના મિજાજથી? ના/કદાચ
તેના વર્તનથી? ના/કદાચ
તેના મુડ સ્વીન્ગ્સથી? ના/કદાચ

તો પછી શેનાથી?
પુરુષને સ્ત્રીઓની એક જ આદતથી તકલીફ થાય છે. તેમની દલીલોથી.

પુરુષોને દલીલોથી પણ તકલીફ નથી હોતી પણ દલીલમાં સ્ત્રી જે મુદ્દાને પ્રાથમિકતા આપતી હોય છે એ મુદ્દે સ્ત્રી સાચી જ હોય છે પણ જીવનના બીજા પ્રકરણમાં (વ્યવસાયિક) વ્યસ્ત રહેલ પુરુષ માટે એ મુદ્દો તેની પ્રાથમિકતામાં નથી હોતો. એટલે ટેકનીકલી સ્ત્રી સાચી છે અને પુરુષ પણ.

જયારે હમસફરની પ્રાથમિકતા અલગ પડે ત્યારે વિચારોમાં ભેદ નજરે ચડે છે. એ ભેદ ધીમે ધીમે વકરે અને એક વિકરાળ સ્વરૂપ લે છે. અને છેલ્લે સ્ત્રીઓ માટે એ વકરેલી પરિસ્થતિ માનસિક તણાવ બની જાય છે. અને એ માનસિક તણાવમાં સ્ત્રીના મોઢેથી નીકળેલ તમામ શબ્દો પુરુષ માટે એટલા વેધક સાબિત થાય છે કે પુરુષની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઇ જાય છે. પુરુષ જયારે પોતે હાથમાં લીધેલી પ્રાથમિકતાઓ પર પુરુતુ ધ્યાન ન આપી શકે એટલે એ માનસિક તણાવમાં આવી પહોંચે છે. જેનું રીઝલ્ટ એ આવે છે કે, પતિ પત્ની કે પછી બે સ્ત્રી પુરુષ વચ્ચે માનસિક તણાવો ઉભા થાય છે. અને આગળ જતા સબંધો તુટવા જેવી પરિસ્થતિઓનો સામનો કરવો પડે છે.

થોડા હજુ અંદર ઉતારીએ.

દલીલો એટલે શું? દલીલો એટલે મનોવૈજ્ઞાનિક રૂપે જોવા જઈએ તો એક પ્રકારનો સંવાદ કે જેમાં મહત્વના મુદ્દાઓ ઉમેરવા માટે સ્ત્રી પોતાની તમામ (નકામી) ઉર્જાનો ઉપયોગ કરે છે.

“નકામી” શબ્દ ને અહિયાં કોઈ નકારાત્મક ન લેશો. ખરેખર આ બધી સમસ્યાનો ઉકેલ જ તો એ “નકામાં” સમયમાં પડ્યો છે. હું થોડો સમજાવવાનો પ્રયત્ન કરું.

એક વ્યક્તિ કે જેની પાસે માનસિક ઉર્જાનો ભંડાર હોય તેને જો તમે માનસિક સ્વતંત્રતા ન આપો તો એ માનસિકતાનો સ્ત્રોત કે જે પ્રચંડ ઉર્જાથી ભરેલો છે એ ક્યાંક ને ક્યાંક તો એ વ્યક્તિ વાપરશે જ. જયારે તેની પાસે તેને વાપરવાનો રસ્તો જ ન હોય ત્યારે એ વ્યક્તિ એ ઉર્જાને વેડફવાનું શરુ કરે. હવે એ ઘરમાં જ બેસેલી વ્યક્તિ કે જેની પાસે ઘર સંભાળવા સિવાય બીજું કોઈ કામ નથી તે સ્ત્રીઓ પોતાની ઉર્જાના વપરાશ માટે પોતાની જ તકલીફોને કેન્દ્રમાં લાવવાનો પ્રયત્ન કરશે.

હાલની પરિસ્થતિ પ્રમાણે ભણેલી ગણેલી સ્ત્રી પણ લગ્ન કરીને ઘરના કામકાજમાં વધારે પડતી ઇન્વોલ્વ થાય છે. હાલમાં પણ મોટાભાગની સ્ત્રીઓ, જવાબદાર કે નિર્ણાયક તરીકે ઘરમાં સ્થાપિત નથી હોતી. પુરુષનો સ્વભાવ રહ્યો છે દરેક નિર્ણયમાં સ્ત્રીથી આગળ રહેવાનો. અને સ્ત્રી લિબરલ છે એટલે તેના ઉદારવાદી વિચારસરણીનો ઉપયોગ પુરુષો ઘણી સારી રીતે કરી લે છે. સ્ત્રી મોટે ભાગે જતું કરવામાં માને છે. પણ જો કોઈ તકલીફ થાય તો એજ પુરુષો સ્ત્રીઓ પર આક્ષેપનો પોટલો ઢોળતા સેજ પણ વિચાર કરતા નથી. શુકામ?
પહેલાનાં જમાનામાં સ્ત્રીઓને શિક્ષિત કરવામાં નહોતી આવતી એટલે મોટા ભાગની સ્ત્રીઓની દુનિયા એટલે એમનું ઘર જ કહેવાતું અને તેઓની સમસ્યાઓ પણ ઘર સુધીની જ રહેતી. એ મુજબ દુનિયાદારી નિભાવી રહેલ પુરુષની પ્રચંડ ભવ્યતા સામે એ સ્ત્રી હમેશા ઝાંખી પડે. એજ રીતે સ્ત્રીઓમાં પહેલાના સમયમાં માનસિક શક્તિનો પ્રભાવ ઘણો ઓછો હતો એટલે એમને ફક્ત એમની શારીરિક ઉર્જાનો નિકાલ શોધવો રહ્યો. પહેલા સ્ત્રીઓને એ તમામ કામ કરતી જે અત્યારે મશીનોએ જગ્યા લઇ લીધી છે.

જેમકે, અનાજ દળવું, મસાલા ખાંડવા, દૂધ દોહવું, ઢોર ઢાકરની માવજત કરવી વગેરે વગેરે. આ બધી પ્રવુત્તિઓ સ્ત્રી આખા દિવસ દરમ્યાન કરવી પડતી. આ બધી પ્રવુતિઓમાં સ્ત્રીઓની શારીરિક શક્તિનો લગભગ સંપૂર્ણ ઉપયોગ થઇ જતો હતો એટલે ત્યારે સ્ત્રીઓ પાસે દલીલ અથવા શિકાયત જેવું કશુંજ બચે જ નહીં. એટલે જ તો કહેવાય છે કે પહેલાના સબંધોમાં તિરાડો ઓછી પડતી હતી. કારણકે જવાબદારીઓના ચોક્કસ ભાગલાઓ હતા. પણ સ્ત્રી પુરુષમાં અસમાનતા હતી.
એજ પ્રમાણે હાલમાં સ્ત્રીઓમાં શિક્ષણને લીધે વધતું માનસિકતાનું પ્રમાણ જ તેની બધી તકલીફોને આવકારવાનું કામ કરે છે. પહેલાની સ્ત્રીઓમાં જે માનસિકતાનો અભાવ હતો એ અત્યારની સ્ત્રીઓમાં જરાય નથી. ઉલટાની માનસિક ઉર્જા ભરી ભરી ને પડી છે. પરંતુ સ્ત્રીઓ સાથે વ્યવહારતો પહેલા જેવા જ થાય છે. હાલમાં પણ સ્ત્રીઓ પોતાની માનસિકતાનો ઉપયોગ જ નથી કરી શકતી. એટલે એ સ્ત્રી તેની તમામ માનસિકતાનો ઉપયોગ તેના પુરુષ સાથે દલીલોમાં વેડફે છે. જેનું પરિણામ આવે છે સબંધોમાં તિરાડો.

આ બધાનું તારણ એ નથી કે, સ્ત્રીઓ શિક્ષિત જ ન હોવી જોઈએ...! સ્ત્રીઓ એ શિક્ષિત થવું જ પડશે. જે જે સ્ત્રીઓ શિક્ષિત છે અને તેમની પાસે માનસિક ઉર્જાનો ભંડાર છે તેઓ બીજી ઘણી માનસિક જવાબદારીઓ ઉપાડવા સક્ષમ છે. સ્ત્રીઓએ એવાં કાર્યોંમાં પોતાનું યોગદાન આપવું રહ્યું જેમાં તેઓ પોતાની માનસિક ઉર્જાનો ઉપયોગ સારી રીતે કરી શકે છે.

અને સમાજમાં અને બીજા ઘણાબધા ક્ષેત્રોમાં પ્રોફેશનલ સ્ત્રીઓના જીવનનું અનુમાન કરશો તો ખ્યાલ આવશે કે એ સ્ત્રીની વિચારસરણી અને પ્રાથમિકતા તદન અલગ દેખાતી હશે. કારણ જ એ છે કે, એ સ્ત્રીને પોતાની ઉર્જાનો ઉપયોગ કરવાની જગ્યા મળી રહે છે.

માનસિક અને શારીરિક ઉર્જાનો વ્યવહારિક અને જવાબદારી ભર્યો ઉપયોગ એક પ્લાનિંગનો વિષય છે. પુરુષો એ પોતાનો “મેલ ઈગો” (પૌરુષત્વ) ને સાઈડ પર મુકીને અમુક જવાબદારીઓ સ્ત્રીઓને સોંપવી પડશે... જે સમાનતાનો વિષય થયો. જો સ્ત્રી અને પુરુષ સાથે બેસીને ભણી શકતા હોય તો તેઓ સાથે મળીને જવાબદારીઓ માથે કેમ ન લઇ શકે?

પુરુષોની પણ એક તકલીફ છે કે, સ્ત્રી જયારે સામે ચાલીને કોઈ જવાબદારી લેવા જાય ત્યારે પુરુષ તેના પર તમામ જવાબદારી મૂકી દે છે. અને "જોઈએ છીએ તું કઈ રીતે હેન્ડલ કરીશ", જેવા સંવાદોથી સ્ત્રીનું મનોબળ નબળું પાડે છે.

છોકરાઓ, સમાજ-વ્યવહાર, વ્યવસાય અને બીજા ઘણા બધા ક્ષેત્રોની જવાબદારી પુરુષ પોતે માથે લઈને બેઠો હોય છે. પરંતુ જો સમાનતાના સિધ્ધાંત પર સ્ત્રીઓ જ અમુક જવાબદારીઓ માથે લઈ લે તો ઘણા બધા દુષણો સાફ થઇ શકે છે.

Kamal Bharakhda

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ