હું = માતાજીના ઘણા મોટા ભગત લાગો છો તમે?
એક ભાઈ (વડીલ મિત્ર) = જી હા! ખુબ શ્રદ્ધા છે.
હું = કેમ, તમને એક સ્ત્રી તત્વમાં એટલી બધી શ્રદ્ધા છે?
એક ભાઈ = જી, માતાજીમાં પરમ શક્તિ છે. એ તમામનાં દુઃખ દુર કરશે.
હું = હા એ વાત બરાબર. પણ, તમને ખબર છે તમે જે માતાજીના ભગત છો એ સ્વતંત્ર નથી અને એક પુરુષ તત્વના ભગવાને એમને બાંધી લીધા છે. એટલે હવે એ કોઈનીયે મદદ કરી શકે એટલા પણ સ્વતંત્ર નથી રહ્યા.
એક ભાઈ = આ શું ધડ મુળ વગરની વાત કરો છો કમલ ભાઈ તમે. એ શક્તિ છે. એ કોઈના બંધાયે બંધાઈ શકે?
હું = હા, કેમ નહીં જેમ તમે બાંધીને રાખો છો એમ.
એક ભાઈ = (મારી નાખવાના મુડમાં) તમે તમારું કામ કરો! અમારી ઈજ્જત અમારા હાથમાં જ છે. તમારે જે કરવું હોય એ કરો.
હું = અરે હું તહેવારમાં આનંદ લેવાની વાત કરું છું. આતો મારા મમ્મી કહેતા હતા કે તમારા ઘરની સ્ત્રીઓને ગરબામાં આવવાની ઈચ્છા ઘણી થતી હોય તમે આવવા નથી દેતા. તમારા કારણો જે પણ હશે એ ચોક્કસ અને યોગ્ય જ હશે, પણ એ નિયમો જ્યાં ચાલતા હોય ત્યાં જ રાખવા.
એ ભાઈ = હું સમજ્યો નહીં? જ્યાં ચાલતા હોય ત્યાં જ રાખવા એટલે?
હું = તમે અહિયાં મુંબઈમાં પોતાની સંસ્કૃતિનાં પ્રચાર માટે આવ્યા છો કે, કમાવા?
એ ભાઈ = જે કહેવું હોય એ સીધે સીધું કહો.
હું = અરે તમે ગુસ્સે ન થાઓ. મને એટલું કહો કે, ગુજરાતી તમારી ભાષા નથી છતાં તમે મારી સાથે ગુજરાતીમાં વાત કેમ કરો છો? સમય અને જગ્યા મુજબ બદલાવ આવવો એ સ્વાભાવિક છે. તમે જો સ્ત્રીની સ્વતંત્રતા છીનવી લેશો તો એ તમને એક જવાબદારી જ માનશે. કારણ કે, તમારા માટે તમારી સ્ત્રી જ સાચું તત્વ છે. એ છે એટલે તમે તમારા સમાજમાં અને ધંધામાં આગળ છો. કારણ કે એ તમારી બીજી ઘણી બધી જવાબદારીઓ મૂંગા મોઢે સંભાળીને બેઠા છે. તો એ તમારી જવાબદારીમાં પણ આવે છે કે તમે એમને એટલી તો છૂટ આપો કે જગ્યા અને સમય પ્રમાણે એ બધાની સાથે ભળી શકે. તમને એમના પર શંકા હોય તો આવી રીતે ગામ મુકીને આવવાની જરૂર જ ન હતી. જો એ નીચે ન આવી શકતા હોય તો તમારે પણ આવવાની જરૂર નથી. અને તમને જોઈએ છે એ બધું એ જ સ્ત્રી તરફથી તમને મળે છે તો પછી તમને માતાજી પાસે હજી શું અપેક્ષાઓ છે એ મને કહો?
ઉપરનો સંવાદ મારા અને એક નોન ગુજરાતી વડીલ મિત્ર સાથે થયો હતો. તેઓ અમારા બિલ્ડીંગમાં જ રહે છે. હમણાં નવરાત્રી ચાલે છે એટલે તેઓ એક પંડિતજીને બોલાવે છે અને રોજ આખે આખા બિલ્ડીંગને સંભળાય એ રીતે જોર જોરથી માતાજીની સ્તુતિ કરે છે.
એમના પત્ની એક સુખી ઘરના શિક્ષિત વ્યક્તિ છે. અમારા બિલ્ડીંગમાં થતા નવરાત્રીના ગરબામાં દરેક લોકો હાજરી આપે છે. એ ભાઈ પણ આવે અને બીજા એમના જ પ્રાંતના એક ભાઈ રહે છે એ પણ આવે. પણ ક્યારેય એ લોકો એમની પત્નીને નીચે થતા ગરબામાં ઇન્વોલ્વ કરતા નથી. મારા મમ્મી એમને એકવાર એ બેનને ગરબા માટે બોલાવ્યા તોય એ ભાઈ એ મારા મમ્મી સામે જ એમની પત્નીને નાં પાડી દીધી!
કારણ તો શું હોય એ તમે અને હું બધાય સમજી જ ગયા છે. પણ આવી રીતે બાંધીને રાખવાની વિચારધારા એક જાનવર માટે જ હોઈ શકે. હવે જે શાક્ષાત સ્ત્રી રૂપી તત્વ ઘરે છે એમણે તમે બાંધીને રાખો અને એજ તત્વની સ્તુતિ તમે કરે રાખો એ કેટલી વ્યાજબી?
આ મુદ્દે મારે વધારે તો નહોતું લખવું પણ સીઝન ચાલે છે એટલે લખાઇ ગયું. એ ભાઈ સાથે વધારે થોડી દલીલ થઇ પણ આખરે ગઈ કાલે સહપરિવાર નીચે ગરબા જોવા આવ્યા.
આખરે એજ તો સાચી સમજણ છે.
Kamal Bharakhda