શું દેશ માટે જીવવા મરવાનો ઇજારો ફકત સૈનીકોનો જ છે?

ફેસબુક પર આપણા શહીદો અને સૈનિકોનાં લેખો પર એક લાઈક અને કમેન્ટ કરીને તમે તમારી જવાબદારી પૂર્ણ કરી લીધી એમ સમજો છો? એક સૈનિક જ્યારે શહીદી વહોરે છે ત્યારે તેનો દેશ પ્રત્યેનો પ્રેમ, ભાવ અને ધગશ એ બધાય એલિમેન્ટ કરતા પણ પોતે પોતાની જાત સાથે કરેલ કમીટમેન્ટ બાબતેની વફાદારી સ્પષ્ટ હોય છે. 

એક સૈનિક ક્યારેય ભારતના અમુક ભ્રષ્ટ નાગરિકની જેમ એ સમયે ભ્રષ્ટ નથી હોતાં કે જે પતાના પર આવી જાય તો દેશને, પોતાની જાતને અને તમામને ભ્રષ્ટાચારનાં કિચડમાં હોમી દેતાં સેજ પણ વાર વિચારતા નથી અને એ બસ ઠંડા લોહી એ બધુ કરતા રહે છે. મજબૂરી જરૂરિયાતોથી ઉભી થાય છે કે અપેક્ષાઓથી તેનું આત્મજ્ઞાન કરવું જરૂરી છે. આપણા સૈનિકોને એટલો જ ભથ્થો મળે છે જે કોઈપણ સામાન્ય શિક્ષિત ભારતીયને મળે છે. નથી એમને કંઈ વધારે મળતું કે નથી આપણને કંઈ ઓછું! 

આવા લેખ ઘણા એ લખ્યા છે અને લોકો ભવિષ્યમાં પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા હેતુ લખતા જ રહેશે. પણ મારો લખવાનો મુદ્દો અહીં કૈંક અલગ છે. જેમ તમે અને હું એક મનુષ્ય અવતાર છીએ તેમ જ સૈનિક પોતે પણ એક માણસ જ છે! એવું કોઈપણ બંધારણ નથી કે, જેમાં લખ્યું હોય કે એક માણસ એક માણસ માટે પોતાનો જીવ ન્યોછાવર કરે. ફક્ત પોતાનાં આત્મસંતોષ અથવા સન્માન માટે કોઈ વ્યક્તિ પોતાનો જીવ ન્યોછાવર તો ન જ કરે. એવી તો કેવી એનર્જી તેમનામાં હોય છે જે આપણા જેવી સામાન્ય જનતાને પોતાની જ મોરલ વેલ્યુજ માટે નથી હોતી?

મુંબઈમાં આતંકવાદી હુમલા વખતે અને હાલમાં પાકિસ્તાન સાથે થઇ રહેલા છમકલાઓમાં પણ આપણા પોલીસ કર્મીઓ અને સૈનિકો પોતાનો જીવ ગુમાવે છે. શું જીવ આપવો જ એમનો ધર્મ છે? નહીં એમનો ધર્મ છે એમના દેશની સાથેની વફાદારી. એવી તો કઈ જાદુની છડી એમની પાસે હોય છે કે તેઓ વફાદારીનાં સૌથી ઉચ્ચસ્તર પર બિરાજે છે? અને આપણે સમાન્ય જનતા કેમ ભ્રષ્ટ્રાચાર કરતા સેજ પણ વાર વિચારતા નથી? 

આપણા ભ્રષ્ટ નેતાઓ અને ઉચ્ચસ્તર પર બિરાજેલા અધિકારીઓને સારામાં સારા ભથ્થા મળતા હોય છે તો પણ લાલચનાં રવાડે ચડીને એમને ભ્રષ્ટ થતા એમનો આત્મા કાંપતો કેમ નથી? તેના કારણો મને થોડા ઘણા સમજાય છે અને બની શકે આ લેખના અંતે વધારે ક્લીઅર થશે.  

ભારતમાં વ્યક્તિગત, સામાજિક, સંસારિક સુખ સુવિધા અને સંસ્કાર મેળવવા ધર્મનાં રવાડે ચડવું પડે છે અને આપણા રોલમોડલો જેવા કે, ગુરુ ગોવીંદસિહજી, હુસૈન, જૈનોમાં એમના ગુરુઓ, ક્રિષ્ના, મહંમદ પયગંબર, નરસિહ મહેતા, શ્રી રામ (આલ્ફાબેટીકલ ઓર્ડર મુજબ લખ્યા છે) અને એમ દરેક ધર્મોમાં પોતાના સંસ્કારને ધ્યાનમાં રાખીને આપણે બધાય પેલા રોલમોડલોનું સંપૂર્ણ જીવન અને એમના વિચારો સામે ને સામે જ રાખે છે. જેનાથી આપણી સૌની ધાર્મિક અને સંસારિક પ્રત્યે વફાદારીની અગ્નિ પ્રજ્વલિત જ રહ્યા કરે. 

તેવી જ રીતે આપણા જીવનમાં દેશ અને દેશ પ્રત્યેની વફાદારી, પ્રામાણિકતા અને ભ્રષ્ટાચારથી મુક્ત જીવન પણ આપણા મહત્વના અંગો છે. પોતાના નીજી ફાયદા માટે વિચાર્યા વગર ભ્રષ્ટાચારનો હાથ પકડી લેતા આપણે સેજ પણ વિચારતા નથી. તેના કારણો ક્યાં છે? 

તેના કારણો એ છે કે, “દેશ માટે એમના નાગરિકોને વફાદારીની સમજ આપતા કોઈ રોલમોડલ જ નથી!”

દેશના ભ્રષ્ટ નેતાઓ અને એમના શાગીર્દો દેશ પ્રત્યેની વફાદારી બાબતે પ્રોમોશન કરે એમાં નાગરિકો પર શું અસર થવાની છે ? ખરેખર કોઈ એવો વર્ગ આ બાબતે દેશનો રોલમોડેલ બનવો જોઈએ કે જે યોગ્ય છે. અને મારી દ્રષ્ટીએ આપણા ભારતીય સૈનિકો જ આપણા રોલ મોડેલ બની શકે એટલી યોગ્યતા ધરાવે છે. 
જેટલું પ્રમોશન અને બ્રાન્ડીંગ ધર્મના રોલ મોડલોનું થાય છે એટલી હદે એ સૈનિકોની પરિસ્થતિનો ખ્યાલ કોઈને છે જ નહીં. ગણીને ૧૫મિ ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીએ “જરા યાદ કરો કુરબાની” જેવા પચાવી ગયેલા ગીતો સાંભળીને અને “કરવું પડે” એવી ભાવનાથી દિવસ પસાર કરી નાખવામાં આવે છે. ફક્ત દેશની સુરક્ષા અને વફાદારીનાં જેવા શબ્દો (હા શબ્દો એટલા માટે કહ્યા કે આપણા તમામ નાગરિકો માટે તો એ જવાબદારી ફક્ત શબ્દો જ છે) માટે પોતાનું જીવન ન્યોછાવર કરી જાણે છે. 

અરે સાહેબ આપણે મતલબ વગર થેલી પણ નથી ઉપાડતા તો એ આપણા સૈનિકોને પોતાના દેશ પ્રત્યે એવી તો કેવી સમજણ હશે કે એ લોકો પોતાના પરિવાર અને જીવનના તમામ સુખોનો ત્યાગ કરીને પોતાના અમુલ્ય જીવનને દાવ પર લગાવી દે છે? શું છે એ પરિબળો? 

બસ એ જ સમજવા સૈન્ય જીવનનું પરફેક્ટ બ્રાન્ડીંગ અને પ્રમોશન આપણા સમાજમાં થવું જરૂરી છે. એમના જીવન પર વેઢે ગણી શકાય એટલી ફિલ્મો બની છે. સરકારની ફરજમાં આવે છે કે એ પરમ આત્મા “ શહીદો “ અને કાર્યરત એવા આપણા સૈનિકોને, એમના જીવનને, એમની ઉપલબ્ધીઓને, એમની તકલીફોને અને એમની મહેનતને નાગરિકો સામે એવી રીતે લાવવામાં આવે કે એ તમામ ભારતનાં અંગ બની ને રહે. સેજ પણ દેશ વિરોધી કે ભ્રષ્ટાચાર જેવા વિચારો મગજમાં પણ આવે તો પણ આપણો આત્મા ધ્રુજી જવો જોઈએ. જ્યાં સુધી એવી પરિસ્થતિ ઉભી નહીં કરવામાં આવે ત્યાં સુધી આપણા સમાજમાં કોઈ પણ પ્રકારનાં અશુદ્ધ તત્વોને સામાજિક દુષણ ગણી બહાર કરવામાં આવે તેના ચાન્સીસ લગભગ શૂન્ય છે. જેમ અત્યારે ચાલે છે એમજ આગળ ચાલતું રહેશે. 

ઉપર જણાવેલ વિચાર કાઈ નવો નથી. ગામડાઓમાં આ પ્રથા જોર શોરથી હજુ પણ ચાલુ જ છે. ગામડાઓમાં “પાળિયા”, “સુરાપુરા” જેવા શબ્દ પ્રયોગ તમે સાંભળ્યા જ હશે. તેમને અંધશ્રદ્ધા જેવું માનવાની જરાય ભૂલ ન કર્તા. એ પ્રથા એક બ્રાન્ડીંગ જેવા વિચારનું સ્મોલ સ્કેલ વર્જન છે. કહેવાય છે કે જે વ્યક્તિ પોતાના પરિવાર, ગામ અને બહેનો દીકરીઓ માટે શહીદી વહોરે એમનાં પાળિયા બનતા. અને એ પાળિયા આખા ગામને ઈન્સ્પાયર કરતા રહેતા. ગામનાં પાદરે કે જ્યાંથી ગામનો વ્યક્તિ દરરોજ એક વાર તો પસાર થાય ત્યાં જ એમને રાખવામાં આવતા. દરેક ગામના વ્યક્તિએ ફરજીયાત માથું ટેકવીને જવું પડતું. (આવું હાલ આપણે રાષ્ટ્રીય લેવલ પર ન વિચારી શકીએ કારણ કે વિચારો અને માન્યતાઓ બદલે છે અને શિક્ષિત પ્રજા આ બધાને આડંબરમાં ગણી લે) જેથી દરેક વ્યક્તિને પોતાના આદર્શો અને ફરજ મગજમાં રહેતી. 

કહેવાનો અને સમજાવવાનો મૂળ તાત્પર્ય એજ છે કે નાગરિકોને એમના દેશ પ્રત્યેની ફરજો, હકો અને સંસ્કારો બાબતે સદાય જાગતા જ રહેવું જોઈએ. તેના માટે આપણે પાળિયા કે બીજા જુના પ્રકારો અપનાવવા જરૂરી નથી. પરંતુ લોકોમાં આપણા શહીદોની વીરતા અને ફક્ત દેશ પ્રત્યે એમની હિંમત અને વફાદારી એમનમ એળે ન જવા દઈને અથવા એક લાઈક કે શેર કરીને ભૂલવા દેવી ન જોઈએ. 

ઇઝરાયલ જેવો દેશ કે જેની દરેક બાજુએ એમના દુશ્મનો છે તેની સામે ઇઝરાયલે તેના દરેક નાગરિકને સૈન્યમાં જોડાવવું ફરજીયાત જેવી જોગવાઈઓ કરેલ છે. તે જ પ્રમાણે ઇંગ્લેન્ડ જેવા દેશોમાં પણ દરેક નાગરિકને સૈન્યમાં જોડાવવું ફરજીયાત છે. (રાજકુંવર પણ બાદ નહીં!) સમયે દેશ માટે દેશનો જનભંડાર દેશને કામ આવે એ હેતુ તો હોય જ છે પરંતુ સામાજિક, ઔદ્યોગિક અને દરેક દ્રષ્ટીએ પ્રમાણિક અને વફાદાર રહેતા પણ શીખવાડી દે છે. તેની અસર એ છે કે ભારતના એક રાજ્યથી પણ નાના એવા દેશો સંપૂર્ણ દુનિયા પર રાજ કરનાર સાબિત થયા છે. દુનિયામાં સૈથી વધારે નોબેલ એવોર્ડ ઇઝરાયલી (યહૂદી) લોકોના ખાતામાં છે જયારે વહીવટી કાયદાકીય ક્ષેત્રમાં કદાચ ભગવાનને પણ સ્વર્ગમાંથી ઉતરીને ઇંગ્લેન્ડ પાસેથી સલાહ સુચન લેવા જોઈએ. પરંતુ મૂળ વાત એ કે એ બંને દેશો જે પણ પરિસ્થતિ પર છે એ તેમના નાગરિકોની પોતાના દેશ પ્રત્યેની વફાદારી અને પ્રેમને લીધે છે. 

દેશની સરકારએ પોતાના રોલ મોડેલ તરીકે સૈનિકોને આગળ લાવવા જરૂરી છે. તેમના થકી જ દેશના તમામ નાગરિકો પોતાની કુટનીતિ રાજનીતિ અને કપટનીતિનો ભરપુર ઉપયોગ કરી શકવા શક્ષમ બને છે.  

હું માનું છું એ પ્રમાણે નીચે જણાવેલ મુજબના પ્રયત્નો થવા અત્યંત જરૂરી છે. 

1. દરેક પ્રાથમિક સરકારી શાળાઓ કે પ્રાઇવેટ શાળાઓમાં મીનીમમ ૩ રીટાયર્ડ સૈન્યના સૈનિકોને ફરજીયાત ભરતી આપી આવનાર ભવિષ્યના લીડરોની કમાન સોંપવી જોઈએ. જયારે જીવનના તમામ પાસના અનુભવી એવા સૈનિક પોતાનાં અનુભવો એ ભૂલકાઓ સામે રાખશે ત્યારે એ બાળકોમાં નાનપણથી જ દેશ માટે ભાવ ઉત્પન્ન થશે.  

2. ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં સૈન્ય અને રાષ્ટ્ર સુરક્ષા જેવા વિષયોનો સમાવેશ કરવો જોઈએ. 

3. દરેક શાળાઓમાં દરરોજ એક શહીદ સૈનિક અથવા કાર્યરત સૈનિકોની જીવનશૈલી પર ચલચિત્રની વ્યવસ્થા કરવી જોઈએ. સવારમાં અડધા કલાકની પ્રાર્થનાની જગ્યા એ 15થી ૨૦ મિનીટ આ કાર્યમાં ફાળવવા જોઈએ. 

4. દરેક કોલેજોમાં કોઈપણ ક્ષેત્રનાં વિદ્યાર્થીએ વર્ષના અંતમાં કમસે કમ એક સૈનિકના જીવન રજુ કરતુ વ્યક્તવ્ય રજુ કરવું પડશે. 

5. બની શકે તો મિત્રો સાથે ટ્રાવેલિંગ ટુર્સ પર જવા કરતા ભારતની કોઇપણ બોર્ડર પર જઈને ત્યાના સૈનિકો સાથે હળીમળીને એમની જીવનગાથા સમજવાં જેવા પ્રયાસો થવા જોઈએ. 
6. પરિવારનો એક નજીકનો સદસ્ય BSF અથવા અન્ય સેનામાં ભરતી ન હોય ત્યાં સુધી એ ચુંટણી લડી શકે નહીં તેવી જોગવાઈઓ. 

7. રાજ્યનો પ્રગતિ ક્રમાંકની સાપેક્ષતા તેના પ્રદેશમાંથી બનતા સૈનિકો પર પણ હોવી જોઈએ. 

8. વાયુ, જલ અને જમીની સૈન્યના વડાંઓ અને જે તે રેજીમેન્ટનાં મુખ્યાઓ એ દેશનાં યુવાનોના પ્રશ્નો જવાબ આપવા સામે આવવું પડશે. 

i) પ્રશ્નો જેમ કે, લોહિયાળ યુદ્ધની જરૂરિયાત કેમ પડે છે ? 
ii) કરોડો કરોડો રૂપિયાના એરક્રાફ્ટ લેવાની જરૂર શુકામ પડે છે ?
iii) કાશ્મીરમાં સૈન્ય ગતિવિધિઓ પરના સવાલો 
iv) આટલી વિશાળ સેના હોવા છતાં બોર્ડર લીક કેમ થાય છે ? 
v) સૈનિકો દ્વારા નાગરીકો પર ઈરાદાવગર થતાં અત્યાચારો  

મારું માનવું છે એ હિસાબે નાગરિકોના માનસિક અને ભાવાત્મક જોડાણ માટે આ પ્રકારના પ્રશ્નોના જવાબો જાહેર જનતા સામે સોલ્વ થવા જરૂરી છે. જો સેના ખરેખર બલીદાન આપે જ છે તો એ બલીદાનની સંપૂર્ણ જાણકારી જે તે દેશના તમામ નાગરિકોના રૂંવાટે રૂંવાટે હોવી જોઈએ.  

જેમ સૈનિક જે ભાવથી દેશ માટે લડે છે જો એજ ભાવ થી તમામ ભારતીય પોતાના માટે પણ જીવે અથવા લડે તો પણ દેશની તમામ સમસ્યાઓના નિરાકરણ માટે કોઇ સિસ્ટમની જરૂર રહેતી નથી. નાના નાના પ્રયાસો જ દેશને ફરી સુવર્ણ બનાવશે. 

જય હિન્દ 

કમલ ભરખડા

http://kamalbharakhda.blogspot.com/2016/09/blog-post_24.html

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ